બેશરમીની હદ વટાવતા વિદ્યાર્થીઓ, હાજરી પત્રક પર મહિલા લેક્ચરરનું બિભત્સ ચિત્ર દોર્યું
Vadodara News : વડોદરાઃ એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષણને લાંછન લગાડતી ઘટના... કેટલાક વિદ્યાર્થીઓએ હાજરી પત્રક પર બીભત્સ ચિત્ર દોરી મહિલા લેક્ચરરને બતાવ્યું
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : સંસ્કારી નગરી વડોદરાની એમ એસ યુનિ.માં શિક્ષણને લાંછન લગાડતી ઘટના બની છે. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગના પ્રથમ વર્ષના વર્ગ F-6માં વિદ્યાર્થીઓે બેશરમીની હદ વટાવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ હાજરી પત્રક પર બિભત્સ ચિત્ર દોરી મહિલા લેક્ચરરને બતાવ્યું હતું. એટલુ જ નહિ, વિદ્યાર્થીઓએ મહિલા લેક્ચરરની હાંસી પણ ઉડાવી હતી. આ બાદ મહિલા લેક્ચરરે રડતા રડતા વર્ગખંડ છોડી દીધો હતો. આ સમગ્ર ઘટના બાદ 14 વિદ્યાર્થીઓના આઈકાર્ડ જપ્ત કરાયા છે. તો ઘટના બાદ અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ફેકલ્ટી ડીને તપાસ શરૂ કરી, વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવાશે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટી સતત વિવાદોની યુનિવર્સિટી બની રહી છે. ત્યારે હવે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ હદ પાર કરી છે. મસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગના પ્રથમ વર્ષના વર્ગ F-6 ના ક્લાસ ચાલુ હતા. ત્યારે એક મહિલા અધ્યાપિકાએ ક્લાસ લીધો હતો. તેઓએ વિદ્યાર્થીઓને હાજરી પૂરવા માટે પત્રક આપ્યુ હતું. આ પત્રક જ્યારે ક્લાસમાં સરક્યુલેટ થઈને પોતાની પાસે આવ્યુ ત્યારે શિક્ષિકા ચોંકી ગયા હતા. કારણ કે, હાજરી પત્રકમાં કોઈએ બિભત્સ ચિત્ર દોર્યુ હતું.
તો બીજી તરફ, શિક્ષિકાએ ચાલુ ક્લાસમાં અધ્યાપકો અને અન્ય સ્ટાફને ક્લાસરૂમમાં બોલાવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પણ રોકી રાખ્યા હતા. આ બાદ મામલો ગરમાયો હતો. જેના પગલે કોમર્સના ઇન્ચાર્જી ડીન તથા વીજીલન્સ પણ દોડી આવ્યું હતું. બિભત્સ ચિત્ર કોને દોર્યું તે અંગે તપાસ શરૂ કરાઈ હતી. જેમાં હાજર 15 જેટલા વિદ્યાર્થીઓના આઈકાર્ડ જપ્ત કરાયા હતા. જોકે, આ ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓ ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવાઈ છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તેમના સાથી વિદ્યાર્થીઓને બોલાવાતા વિવાદ વધ્યો હતો. ત્યારે કોણે આ કર્યું તે દિશામાં તપાસ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 1990માં પણ આર્ટસ ફેકલ્ટીમાં મહિલા લેક્ચરર સામે વિદ્યાર્થી પેન્ટ કાઢીને દોડ્યો હતો.