50 મિનિટમાં 50 પ્રશ્ન : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાના નિયમોને વિદ્યાર્થીઓએ ગણાવ્યા વિચિત્ર
વિદ્યાર્થી એક મિનિટમાં એક સવાલનો જવાબ નહિ આપે તો જે તે પ્રશ્ન સ્ક્રીન પરથી થશે ગાયબ
50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ માટે સમય પૂરતો ના હોવાથી 90 મિનિટ સમય આપવા માંગ
ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ચિંતિત, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું કે, આ નિયમો મજબૂત છે
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના નિયમોને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. 13 ફેબ્રુઆરીથી શરૂ થતી ઓનલાઈન પરીક્ષા માટે નક્કી કરાયેલા કેટલાક નિયમોને વિદ્યાર્થીઓએ વિચિત્ર નિયમો ગણાવી તેમાં બદલાવ કરવા ઉગ્ર માંગ કરી છે. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હોય એવા કેટલાક નિયમોની વાત કરીએ તો, ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે માત્ર 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવાનો વિદ્યાર્થીઓને વિકલ્પ આપ્યો છે. જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ માત્ર એક જ મિનિટ ફાળવવામાં આવશે તેવું ફરજિયાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે.
આ પણ વાંચો : હાર્દિક પટેલ પાટીદાર સમાજના ખંભે બંદૂક ફોડે છે, તે તકવાદી છે...
1 મિનિટમાં 1 પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો તેની વિદ્યાર્થીઓને મૂંઝવણ
જો વિદ્યાર્થી એક મિનિટમાં જે-તે પ્રશ્નનો જવાબ ન આપી શકે તો તે પ્રશ્ન સ્ક્રીન પરથી આપોઆપ ગાયબ થઈ જશે તેવી સ્પષ્ટ સૂચના વિદ્યાર્થીઓને અપાઈ છે. આ સિવાય 50 પશ્ન માટે 50 મિનિટ ઓછી હોવાનો મત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયો છે. 50 મિનિટથી સમય વધારી 90 મિનિટનો સમય ફાળવવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. આ અંગે વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું કે, કેટલાક વિષયોમાં ગણિતિક સૂત્રોની મદદ પ્રશ્નોના જવાબમાં લેવી પડતી હોય છે. ત્યારે માત્ર 1 મિનિટમાં 1 પ્રશ્નનો જવાબ કેવી રીતે વિદ્યાર્થીઓ આપી શકશે. આ સિવાય થોડા સમય અગાઉ લેવાયેલી ઓફલાઇન પરીક્ષામાં કોર્સ માત્ર 50 ટકા રાખવામાં આવ્યો હતો. જ્યારે કે, ઓનલાઇન પરીક્ષા માટે 100 ટકા કોર્સ રાખવા આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને ઓફલાઈન તેમજ ઓનલાઈન પરીક્ષા વચ્ચે ભેદભાવ કરાઈ રહ્યાનો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટી પર આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ‘મારા ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ...’ એવુ પગના સાથળ પર લખીને પત્નીની આત્મહત્યા
પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગમે તેટલો સમય આપીએ એ ઓછો જ પડે
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા સમિતિના સભ્ય પ્રોફેસર પંકજ શ્રીમાળીએ જણાવ્યું કે, સ્ક્રીન પર એક મિનિટ બાદ જ બીજો સવાલ આવશે, વિદ્યાર્થી ગણતરીની સેકન્ડમાં પણ જવાબ આપી દે તો પણ સવાલ સ્ક્રીન પર 1 મિનિટ સુધી રહેશે જ. એક પ્રશ્નના જવાબ માટે એક મિનિટ પૂરતી છે. NEET અને JEE ની પરીક્ષામાં પણ આ પ્રકારે જ સમય ફાળવવામાં આવે છે. વિદ્યાર્થી સાથે અન્યાય નહિ થાય એ માટે વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગમે તેટલો સમય આપીએ એ ઓછો જ પડે. વિદ્યાર્થીઓ માંગણી કરે એ એમનો હક્ક છે, પણ આ સમય પૂરતો છે. 90 મિનિટ આપવામાં આવે એ વાતમાં પણ દમ નથી. જે તે વિષયના અધ્યાપકોએ સમયને ધ્યાનમાં જ રાખીને સવાલ પૂછ્યા હોય છે એટલે સમય ખૂટે એવું નહિ બને. એક મિનિટ સુધી પ્રશ્ન દેખાશે, વિદ્યાર્થી ઉતાવળમાં ભૂલ ના કરે એ માટે પ્રત્યેક પ્રશ્ન 1 મિનિટ સુધી સ્ક્રીન પર રહેશે, ત્યારબાદ જ ગાયબ થશે. આ જ પદ્ધતિ મુજબ ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ લીધી છે. જેમાં કોઈપણ મુશ્કેલી વિના 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
આ પણ વાંચો : ગાંધીનગરના ઇતિહાસમાં પહેલીવાર જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ