અમદાવાદ :કહેવત છે કે મન હોય તો માળવે જવાય. મન હોય તો દરિયો પણ તરીને પાર થઈ શકે છે. આવું જ કંઈક અમદાવાદના 52 વર્ષીય પ્રદીપકુમાર સિંહે કરી બતાવ્યું. પ્રદીપ કુમારે આ ઉંમરમાં NEET ની પરીક્ષા કરી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા બિઝનેસમેને 720 માંથી 607 અંક મેળવ્યાં છે. આ ઉંમરે પરીક્ષા પાસ કરવાનો તેમનો હેતુ પણ દિલચસ્પ છે. હકીકતમાં પ્રદીપ કુમાર ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં NEET નું કોચિંગ આપવા ઈચ્છે છે, જેથી તેઓ NEET પાસ કરીને ડોક્ટર બની શકે. તેમનું કહેવું છે કે, મેં આ ઉંમરમાં 98. 98 ટકા નંબર મેળવ્યાં. પરંતું તેની પાછળ મારો હેતુ મેડિકલ કોલેજમાં દાખલ થઈને ડોક્ટર બનવાનો નથી. હું ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત NEET કોચિંગ સેન્ટર શરૂ કરવા માંગું છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દાયકા પહેલા છોડ્યો હતો અભ્યાસ
બુધવારે NEET નું પરિણામ ઓનલાઈન જાહેર થયું. પરિણામ જોતા જ પ્રદીપ કુમાર સિંહને લાગ્યું કે, તેઓ હવે પોતાનુ સપનુ સાકાર કરી શકે છે. પ્રદીપ કુમારના જણાવ્યા અનુસાર, ત્રણ દાયકા પહેલા જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેમણે વર્ષ 1987 માં ધોરણ-12 માં 71 ટકા મેળવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તેના બાદ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી બિઝનેસ ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 


આ પણ વાંચો : સપ્તશૃંગી માતાજીના જૂના સ્વરૂપના દર્શન થશે, 500 વર્ષથી ચઢેલા સિંદુરના થપેટાને દૂર કરાયા


ગરીબ બાળકોનો વિચાર આવ્યો 
વર્ષ 2019 માં જ્યારે પ્રદીપ કુમારના દીકરાએ NEET પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી, તો તેમને લાગ્યુ હતું કે સંસ્થાઓ કોચિંગ માટે કેટલી બધી રકમ વસૂલે છે. જેના બાદ તેમને અહેસાસ થયો કે, ગરીબ બાળકો માટે આ કોચિંગ મેળવવું લગભગ અશક્ય છે. તો ગરીબના બાળકો ડોક્ટર કેવી રીતે બને. આ વિચાર કરીને તેણે ગરીબ બાળકોનું સપનુ સાકાર કરવા માટે NEET ની પરીક્ષા આપવાનુ નક્કી કર્યું. અને તેઓ સફળ થયાં. 


આ પણ વાંચો : સુરત GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1નું મોત 5 ઘાયલ


મનરેગામાં કામ કરનારા બાળકોને અભ્યાસ કરાવશે
પ્રદીપ કુમારની આ ઈચ્છાને તેમના દીકરાનું સમર્થન છે. તેમનો દીકરો બિજીન એમબીબીએસના ત્રીજા વર્ષમાં છે. દીકરા બિજીનને વર્ષ 2019 માં NEET 595 અંકથી પાસ કરી હતી. પ્રદીપ કુમારનું કહેવું છે કે, મારો દીકરો જીવ વિજ્ઞાનમાં એક્સપર્ટ છે, તો હું ભૌતિક અને કેમિકલ સાયન્સમાં સારો છું. તેથી અમે સાથે મળીને ગરીબ બાળકોને મફતમાં ભણાવવાનો નિર્ણય કર્યો. અમે બંને મળીને કેટલાક વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. એ ગરીબ માતાપિતા જેઓ મનરેગામાં કામ કરે છે, તેમના સંતાનોને ભણાવીએ છીએ. 


વર્ષ 2021 માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને નેશનલ મેડિકલ કાઉન્સિલે NEET પરીક્ષામાંથી ઉંમરની મર્યાદાને હટાવી હતી. જેના બાદ પ્રદીપ કુમારનું સપનુ સાકાર થયુ હતું. તેમણે જુલાઈમાં યોજાનારી પરીક્ષા માટે ફેબ્રુઆરીથી વાંચન શરૂ કર્યુ હતું અને 98.98 ટકા મેળવ્યા. પ્રદીપનું કહેવું છે કે, આ પરીક્ષા સારા ટકાથી પાસ કર્યા બાદ હવે હું વિદ્યાર્થીઓમાં વિશ્વાસ પેદા કરી શકુ છું.