સુરતઃ  સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા સાઈબાબાના મંદિર પાસે પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ પકડી જશે તે ડરથી યુવકે એસિડ ગટગટાવી લીધું હતું. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાતા હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના મોટા ભાઈને આ ઘટનાની જાણ થતાં તેણે પણ એસિડ પી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની વચ્ચે થયો હતો ઝઘડો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે નવાનગર જવાહર મોહલ્લામાં સાઈબાબાના મંદિર પાછળ રહેતા નાયકા જીતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 મેના રોજ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. જેથી જીતેન્દ્ર એ તેની પત્નીને માર માર્યો હતો.


આખરે તેની પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા જ પોલીસ જીતેન્દ્રને ઉઠાવવા માટે આવી હતી. પોલીસ આવતાની સાથે જ જીતેન્દ્ર ઘરમાંથી એસિડની બોટલ લઈને નીકળી ગયો હતો અને સાઈબાબાના મંદિરની પાછળના ભાગે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


આ પણ વાંચોઃ ગુજરાતમાં હદ પાર ગરમીથી તોબા તોબા, એકાએક વધી ગયા હીટ સ્ટ્રોકના કેસ, લોકો પરેશાન


બીજી બાજુ તેના મોટાભાઈ નાયકા બીપીન બાબુભાઈને આ વાતની જાણ થઈ હતી કે તેના નાના ભાઈએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. જેથી નાના ભાઈના ગમમાં મોટાભાઈ બિપીને પણ એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો. એક સાથે બંને ભાઈના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


આ મામલે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ વચ્ચે ખૂબ સારો મેળ મિલાપ હતો. જેથી મોટાભાઈને નાના ભાઈના મૃત્યુનો વધુ આઘાત લાગ્યો હતો. જીતેન્દ્રએ જે જગ્યા પર એસિડ ગટગટાવ્યું હતું. એ જગ્યા પર બીપીન પણ એસિડની બોટલ લઈને પહોંચી ગયો હતો અને એ જગ્યા પર તેણે પણ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું.


આ પણ વાંચોઃ ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા


આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે , લિંબાયત વિસ્તારમાં નીલગીરી પાસે જવાહર મોહલ્લામાં રેહતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેથી પત્નીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ દરમ્યાન પોલીસ પીસીઆર વાન લઈને પહોંચી તો જીતેન્દ્ર નાયકા પોલીસ પકડી લેશે અને જેલમાં પૂરી દેશે તેવા ડરથી ઘરેથી નાસી છુટ્યો હતો અને બાદમાં સાઈબાબાના મંદિરની પાછળના ભાગે જઈ એસીડ પી લીધું હતું.


આ બાબતની જાણ પરિવારજનોને થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ 19 તારીખે નાનાભાઈના મોતના ગમને લઇ મોટાભાઈ બીપીન નાયકે પણ એસીડ પી જીવન ટુંકાવ્યું હતું. જેથી પરિવારજનોને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે તમામ એન્ગલથી તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકોના પરિવાજનોના નિવેદન, મોબાઈલની તપાસ અને મેડીકલ પીએમ રિપોર્ટ પ્રમાણે તપાસ શરુ કરી છે.