ચેતન પટેલ/સુરત :સુરતમાં કામની શોધમાં અલગ અલગ રાજ્યોમાંથી આવીને અનેક લોકો વસ્યા છે. લોકો અહીં રોજી રોટી માટે આવતા હોય છે, ત્યારે આવા ભોળા લોકોને કોઈને કોઈને સ્કીમ આપી છેતરપીંડી કરતા ચોરોનો સુરતમાં રાફડો ફાટી નીકળ્યો છે. ‘રોજના માત્ર રૂ.100 ત્રણ વર્ષ સુધી ભરો તો કંપની રૂ.1.08 લાખ પરત આપશે’ એવી લોભામણી જાહેરાત આપીને દેશભરમાં હજારો રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવી કરોડોમાં ઉઠમણું કરનાર માઈક્રો લીઝિંગ એન્ડ ફંડીંગ લી. ના સુરતના એજન્ટને સુરત ક્રાઈમ બ્રાન્ચે સાત વર્ષ બાદ વતન ઓરિસ્સાથી ઝડપી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરિસ્સાની માઈક્રો લીઝિંગ એન્ડ ફંડીંગ લી. નામની કંપનીએ સમગ્ર દેશમાં તેમની ઓફિસ શરૂ કરી હતી. તેમજ તેના અલગ અલગ રાજ્યમાં એજન્ટ બનાવ્યા હતા. આ કંપની એવી સ્કીમ આપતી હતી કે, દૈનિક રૂ.100 ત્રણ વર્ષ સુધી ભરો તો કંપની રૂ.1.08 લાખ આપશે. ત્યારે આ લોભામણી સ્કીમમાં આવીને દેશભરમાં હજારો રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતા. કંપનીએ સુરતમાં વરાછારોડ હિરાબાગ સર્કલ પાસે મંગલદીપ એપાર્ટમેન્ટમાં ઓફિસ શરૂ કરી હતી. 31 માર્ચ 2012 થી 7 ફેબ્રુઆરી 2015 દરમિયાન જમનાદાસ નાનજીભાઈ રોજીવાડીયા અને બીજા હજારો રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ઉઠી ગઈ હતી.


આ પણ વાંચો : વડોદરામાં સિટી બસના ડ્રાઈવરને નજર સામે ચાલતી વિદ્યાર્થીની ન દેખાઈ, સ્ટેશનમાં જ કચડી નાંખી


આ બાદ હોબાળો થતા કંપનીના ડિટેક્ટર્સ, મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં સાત વર્ષ અગાઉ ગુનો દાખલ થયો હતો. ઘણા રોકાણકારોએ એજન્ટ ત્રીલોચન લીંગરાજ ગૌડા મારફતે રોકાણ કર્યું હોય ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ કરી હતી. પણ તે મળતો ન હતો. દરમિયાન, હાલમાં મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્ક્વોડે ઓરિસ્સાના ગંજામ જીલ્લાના બ્રહ્મપુર ખાતેથી ત્રિલોચન ઉર્ફે ટુકન્ના લીંગરાજ ગૌડાને ઝડપી લીધો હતો. 


સુરતમાં ગુનો નોંધાયા બાદ આરોપી નાસતો ફરતો હતો. તો અનેકવાર પોલીસથી બચવા તે ક્યારેક પોતાના ગામ જતો હતો. ઓરિસ્સાના જુદાજુદા શહેરોમાં રહી અલગ અલગ નોકરી કરતો ત્રિલોચન છેલ્લા ત્રણ મહિનાથી બ્રહ્મપુર ખાતે રહી મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. જેના વિશે બાતમી મળતા તેને પકડી પડાયો હતો તેવુ સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જેએન ધાસુરાએ જણાવ્યું.