સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ, ડમ્પર ચાલકે સૂતેલા પરિવાર પાસેથી ઉઠાવી લીધી
Surat Crime News : નવા વર્ષની શરૂઆતની સાથે જ સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને નાની બાળકીઓને નિશાન બનાવી તેમને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે
ચેતન પટેલ/સુરત :સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે ડમ્પર ચાલક એક અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી અને બાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. પીસીઆર વાનમાં ફરજ બજાવતા સુમિત્રા બેન ડમ્પર પાસે પહોંચી જઈ બાળકીને બચાવી લીધી હતી.
નવા વર્ષની શરૂઆતની સાથે જ સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને નાની બાળકીઓને નિશાન બનાવી તેમને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં પણ આજ રીતની ઘટના બની છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં અનુવ્રત દ્વાર નીચે ફૂટપાથ પર કેટલાક મજૂર પરિવારો રહે છે. રાત્રિ દરમિયાન પરિવાર તેમની અઢી વર્ષની બાળકી સાથે સૂઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી સુપદીપ બાલકીશન નામનો ડમ્પર ચાલક યુવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ નરાધમની નજર આ બાળકી પર પડી હતી.
આ પણ વાંચો : મોરબી હોનારતના પડઘા, આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામુ માંગ્યું
પરિવારને સૂતો જોઈને યુવકે બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન પરિવારનો એક સભ્ય જાગી જતા તેને બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળીને સુપદીપ ચાલક બાળકીને ઊંચકી લઈને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ ત્યાંથી પીસીઆર વાન પર પસાર થઈ હતી. તેમની નજર પરિવાર પર પડી હતી, અને પીસીઆર વાન પરિવાર પાસે ગઈ હતી. જ્યાં તમામ હકીકત જાણી લઈને પીસીઆર વાને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ તમામ વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
બાદમાં પીસીઆર વાન ઈન્ચાર્જ સુમિત્રા બેને પરિવારના સભ્યોને સાથે રાખી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એસ.કે નગર પાસે ડમ્પર ઉભું જોતા સુમિત્રાબેન ત્યાં પહોંચ્યા હતા અને ચાલકને પકડી પાડ્યો હતો. બીજી તરફ બાળકીને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં વેસુ પોલીસે દુષ્કર્મ, પોસ્કો અને અપહરણ ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.