પિતાએ રસ્તે ઉભા રહી દીકરીનો જીવ બચાવવા મદદ માંગી, સુરતીઓએ ખોબલે ભરીને દાન આપ્યું
સુરત શહેરના લોકોએ ફરી એક વાર માનવતા મહેંકાવી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં એક વ્યક્તિની માત્ર 15 માસની બાળકીને લિવર ફેલ્યોર જેવી ગંભીર બીમારીથી ઉગારવા માટે અનેક સુરતીઓનો સાથ મળ્યો છે. પાંચ દિવસ રોડ પર ઉભા રહી દાનની અપીલ કરનાર પિતાએ સુરતીઓની મદદને કારણે 16 લાખનું ભંડોળ એકત્ર કર્યું છે.
ચેતન પટેલ/સુરત :સુરત શહેરના લોકોએ ફરી એક વાર માનવતા મહેંકાવી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં એક વ્યક્તિની માત્ર 15 માસની બાળકીને લિવર ફેલ્યોર જેવી ગંભીર બીમારીથી ઉગારવા માટે અનેક સુરતીઓનો સાથ મળ્યો છે. પાંચ દિવસ રોડ પર ઉભા રહી દાનની અપીલ કરનાર પિતાએ સુરતીઓની મદદને કારણે 16 લાખનું ભંડોળ એકત્ર કર્યું છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા નિલેશ પટેલ મજૂરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. જેમની 15 મહિનાની પુત્રી હીર લીવરની ગંભીર બિમારીથી પીડાઈ રહી છે. લાખોની રકમ એકત્ર કરવા માટે તેઓ સક્ષમ ન હતા. મધ્યમ વર્ગીય પરિવારના પિતા માટે બાળકીની ચિંતાની સાથોસાથ સારવાર માટે આટલી મોટી રકમ ભેગી કરવી એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો. પરંતુ એક પિતાએ હાર ન માની. દીકરીને બચાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધાય.
મુંબઈની હોસ્પિટલ તરફથી બાળકીને લિવર સિરોસીસ રોગ હોવાનું જણાવાયું હતું. જેથી હીરને બચાવવા માટે માત્ર લિવર ટ્રાન્સપ્લાન્ટ જ ઉપાય છે તેવુ તબીબોએ કહ્યું. ત્યારે પાંચ દિવસથી દિવસ-રાત પિતા રોડ પર ઉતરીને હાથમાં ગુલ્લક લઈ લોકોને અપીલ કરી રહ્યા હતા કે તેમની દીકરીના સારવાર માટે મદદ કરે. નિલેશભાઈના મિત્રો પણ તેમની સાથે જોડાયા હતા અને તેઓ પણ હાથમાં બેનર લઈને અલગ અલગ વિસ્તારમાં મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા. પિતાની આ મુહિમ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતીઓની દિલદારી જોવા મળી છે. માત્ર પાંચ દિવસમાં હીર માટે 16 લાખ રૂપિયાનું ફંડ એકત્ર થઇ ગયું છે. હવે હીરની જિંદગી બચી જશે.