ચેતન પટેલ/ સુરત: ડુમસના ભાટિયા ફાર્મ સ્થિત આવેલા બંગલામાં ચાલતા ટર્નિંગ પોઈન્ટ રિહેબ (નશામુક્તિ કેન્દ્ર)માં ધમાલના અહેવાલ મળી રહ્યા છે. નશો છોડાવવા આવેલા બેંક મેનેજરની કેન્દ્રના ચાર કર્મચારીઓએ મુક્કા મારી આંખ ફોડી નાખી હોવાના ગંભીર આક્ષેપો સાથે મેનેજરની બહેને ડુમસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ કેન્દ્ર દ્વારા જણાવાયું કે યુવક ધમાલ કરતો હોવાથી ઈજા પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે દિલ્હીના પાંડવ નગરના વતની અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલી એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે પોતાની ફરજ બજાવતા 36 વર્ષીય શંભુચરણ સિંહને ગત 20મી ફેબ્રુઆરીએ સુરતના ડુમસ સ્થિત ભાટિયા ફાર્મમાં આવેલ એક બંગલામાં ચાલતા ખાનગી વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિને 2016થી નશાની લત લાગી હતી, પરંતુ 2021 સુધીમાં તેની હાલ ગંભીર બનતા દિલ્હીમાં રહેતી અને નર્સરી સ્કૂલ ચલાવતી નાની બહેન કંચનકુમારી અંકલેશ્વર દોડી આવી હતી અને સુરતના ડુમસમાં આવેલા વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરાવ્યો હતો.


પહેલી જૂને યુવકને આ સંસ્થા દ્વારા ફ્લાઈટથી સુરતથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો ત્યારે તેની ડાબી આંખે ગંભીર ઈજાના નિશાન હતા. જેના કારણે બહેને દિલ્હીની સર ગંગાધર હોસ્પિટલમાં ચેકઅપ કરાવતાં તેની ડાબી આંખનો રેટીના ફાટી જવાથી ગંભીર પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. 


આ ઘટનામાં જ્યારે બહેને ભાઈને પુછતાં  તેણે જણાવ્યું હતું કે સંસ્થામાં ચાર શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો અને મુક્કો મારીને મારી આંખ ફોડી નાંખી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે સોહેલ નામના શખસે તેને પકડી રાખી સાંઈ નામના શખ્સે તેને મુક્કો માર્યો હતો, જેના કારણે આંખની કીકી ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.


આ ધટનાને જાણી કંચનકુમારી શનિવારે સુરતના ડુમસ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને સમગ્ર ઘટનાને વિગતવાર જણાવીને ફરિયાદ નોધાવી હતી.


કંચનકુમારીએ પોલીસમાં જણાવ્યું હતું કે પાંચ મહિનાથી તે મુક્ત થઈને દિલ્હી આવ્યો હોવા છતાં આ શખ્સો દ્વારા તેની બીજી આંખ પણ ફોડી નાખવા માટે ધમકી આપી હોવાની વાત પછીથી બહાર આવી હતી. રવિવારે પોલીસે આ મામલે સંસ્થા સાથે સંકળાયેલા ચાર વિરુદ્ધ આઈપીસીની કલમ 325, 506 અને 114 મુજબ ગુનો નોધ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube