સુરતીઓ સાવધાન! આવતીકાલથી વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તો જ આ જગ્યાઓએ પ્રવેશ કરજો, નહીં તો...
આગામી બુધવારથી શહેરમાં મોલ, મલ્ટિપ્લેક્સ, જિમમાં પણ ડબલ વેક્સિનેશન સર્ટિફિકેટનો અમલ ફરજિયાત કરાવવામાં આવશે. પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ વીતી ચૂક્યા હોય તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવાનું શરૂ થઈ ગયું છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં કોરોનાના નવા 8 કેસ નોધાયા છે, જેમાં સુરત શહેરના 1 , સુરત જિલ્લાના 2 અને વલસાડના 5 દર્દીનો સમાવેશ થાય છે, જ્યારે વલસાડમાં કોરોના સંક્રમિત વધુ એક દર્દી મોતને ભેટ્યા છે. જેના કારણે તંત્રનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે એકમાત્ર કોરોના વેક્સિન જ શસ્ત્ર છે. જેના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધતા કોરોના કેસ અટકાવવા માટે તંત્રએ વેક્સિન અભિયાન કડક કર્યું છે.
આ અંગે મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આગામી બુધવારથી શહેરમાં મોલ, મલ્ટિપ્લેક્સ, જિમમાં પણ ડબલ વેક્સિનેશન સર્ટિફિકેટનો અમલ ફરજિયાત કરાવવામાં આવશે. પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ વીતી ચૂક્યા હોય તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડકાઈથી પગલા ભરવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં વધતા કોરોનાને રોકવા માટે સોમવારે જાહેર સ્થળોએ 1.20 લાખ લોકોને ચેક કરાયા છે. જેમાં સીટી બસ અને BRTSમાં સૌથી વધુ 8400 વેક્સિન વિનાના મળ્યા છે. આ સિવાય પાલિકા કચેરી, ગાર્ડન, લાઇબ્રેરી સહિતના સ્થળોએ પણ વેક્સિન ન લેનારા 450ને પ્રવેશ અપાયો નહોતો. બુધવારથી મોલ, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરન્ટ, જીમ, ગેમ ઝોન જેવા ખાનગી સ્થળે પણ એન્ટ્રી નહીં મળે. અમલના પહેલા દિવસે સૌથી વધુ ઉધના ઝોનમાં 213 , કતારગામમાં 64 લોકોને પરત કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, સોમવારથી સિટી બસ, સ્વિમિંગપુલ, બાગ બગીચાઓમાં વેક્સિન નહીં લેનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. અમલવારીના પ્રથમ દિવસે 790થી વધુ લોકોને પાલિકાએ બસ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, બાગ-બગીચામાં પ્રવેશતા અટકાવાયા હતા. આ દિશામાં તંત્ર વધુ એક કડક નિર્ણય અમલમાં મૂકવા જઈ રહી છે. આગામી બુધવારથી શહેરના મોલ, મલ્ટિપ્લેક્સ, જિમ સહિતના જાહેર સ્થળોએ વેક્સિન સર્ટિફિકેટ નહીં ધરાવનારાઓના પ્રવેશ પર પ્રાબંધી મૂકવા નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube