`બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય`, સુરતમાં 15 હજાર કર્મચારી ધરાવતી મારૂતિ ઈમ્પેક્ષ બંધ
મંદીના માહોલ વચ્ચે સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર તથા વિદેશમાં પણ કાર્યરત જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી આગામી ત્રણથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે, એક માત્ર વોચમેન સહિત તમામ સ્ટાફને છૂટા કર્યા છે અને જ્યાં નોકરી મળે ત્યાં ચાલ્યા જવા માટે સૂચના આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..
ઝી બ્યુરો/સુરત: મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી 3થી 4 મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે. મંદીના માહોલ વચ્ચે સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર તથા વિદેશમાં પણ કાર્યરત જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી આગામી ત્રણથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે, એક માત્ર વોચમેન સહિત તમામ સ્ટાફને છૂટા કર્યા છે અને જ્યાં નોકરી મળે ત્યાં ચાલ્યા જવા માટે સૂચના આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
શું હતો ઓડિયો મેસેજમાં સંદેશ?
સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સુરતના હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. હાલ પુરતી 3થી 4 મહિના મારૂતિ ઈમ્પેક્ષ કંપની બંધ રહેશે. જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે. હાલ સિક્યોરીટી સિવાય તમામ 15 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે. પરંતુ હવે હાલ પુરતી કંપની 3થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે.
સુરેશ ભોજપુરાને બ્રેઈન સ્ટ્રોક
સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મજગની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેઓ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષમાં કોઈ પાર્ટનર નથી અને કંપની એકલા હાથે ચલાવતા હતા. તેમને સાજા થતા 4 મહિના જેટલો સમય લાગે તેમ છે. તમને જણાવી દઈએ કે સુરત, ભાવનગર, લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને 100થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડની ફેક્ટરીઓ કાર્યરત હતી.
હાલ કંપની બંધ રાખવા લેવાયો નિર્ણય
સુરેશભાઈ ભોજપરાની તબિયત નાદુરસ્ત છે, તેમને 4થી 5 મહિના પહેલાં બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો. પરંતુ દિવાળી નજીક હતી એટલા માટે કંપની શરૂ રાખી હતી. હાલ પુરતી કંપનીને બંધ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતના હીરાઉદ્યોગમાં ભયંકર મંદી વચ્ચે આશાનું કિરણ
ઉલ્લેખનીય છે કે, સુરતના હીરાઉદ્યોગમાં ભયંકર મંદી વચ્ચે આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. રફ હીરાના ભાવમાં 15% ઘટાડાનો નિર્ણય લેવાયો છે. હીરા ઉત્પાદક ડી બીયર્સનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ભાવ ઘટાડાના કારણે નફાનું ધોરણ જળવાઈ રહેશે. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માગની અસર જોવા મળી રહી છે. રફ હીરાનો ભાવ ઘટતા સુરત-મુંબઈના ઉદ્યોગકારોમાં રાહત જોવા મળી છે. આ નિર્ણયથી અન્ય માઈનિંગ કંપની અને સપ્લાયરો પણ પણ ભાવ ઘટાડવા દબાણ વધશે.