વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, મોટેલમાં રોકાયેલા શખ્સે ફાયરિંગ કર્યું
Gujarati Shot Dead In America : અમેરિકાના ગન કલ્ચરનો ભોગ એક ગુજરાતી બન્યા, મોટેલમાં આવેલા શખ્સે માથાકૂટ કરીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
તેજશ મોદી/સુરત :વિદેશમાં રહેતાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. સુરતના સચિનના જગદીશ પટેલની અમેરિકામાં હત્યા થઈ છે. મોટેલના રૂમના ભાડા મુદ્દે ગોળી ધરબી દીધી હતી. જેમાં માથા અને પેટના ભાગે ગોળી મારી હત્યારો ફરાર થઈ ગયો હતો. 25 જૂને તેમની સાથે આ અકસ્માત બન્યો, જેના બાદ તેઓ પાંચ દિવસ સારવાર હેઠળ હતા. 30 મીએ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન લાજપોર પોપડા ગામના વતની જગદીશ પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. 25 જૂનના રોજ રાતના સમયે તેઓ પોતાની ઓફિસમાં બેસ્યા હતા. ત્યારે મોટેલમાં રોકાયેલો એક શખ્સ તેમની ઓફિસમાં આવ્યો હતો અને તેણે ભાડા મુદ્દે માથાકૂટ કરી હતી.
આ પણ વાંચો : ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
હત્યારો બે દિવસથી મોટેલના એક રૂમમાં રહેતો ન હતો. અને તેણે ભાડુ ન ચૂકવવા મુદ્દે જગદીશભાઈ સાથે માથાકૂટ કરી હતી. વાત વણસી જતા શખ્સે જગદીશ પટેલને ગોળીઓ ધરબી દીધી હતી. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી. પરિવાર દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ 30 જૂનના રોજ તેમનુ મોત નિપજ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, જગદીશભાઈનો પરિવાર 2007 થી અમેરિકામાં સ્થાયી થયો છે. તેમનો પુત્ર અને પુત્રવધુ શિકાગોમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે.