ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં નાના બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની બીમારીનો કેસ જોવા મળ્યો છે. આ કેસ 10 હજાર બાળકોમાંથી 4 કે 5 બાળકોને થાય છે. જેઓને મોતિયાની બીમારી થતી હોય છે. અઢી વર્ષના બાળકને બંને આંખોમાં મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં ગોડાદરાના માનસરોવર સોસાયટીમાં રહેતા પવન કાયત કાપડ માર્કેટમાં કામ સાથે સંકળાયેલા છે. તેમનો અઢી વર્ષનો પુત્ર લક્ષિતના આંખમાં ખામી જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા બંને આંખે મોતિયો હોવાનુ નિદાન થયું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલના તમામ ટેસ્ટ કરાવ્યા હતા. બાદમાં જુની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું. જેથી  જુની સિવિલ ખાતે આંખ વિભાગમાં જમણી આંખના મોતીયાની સર્જરી કરી હતી. 


આ પણ વાંચો : જ્વેલર્સની જીવન આખાની મૂડી પોલીસે પરત અપાવી, ચોરોને પકડીને 86 લાખનો માલ રિકવર કર્યો


વિભાગના વડા ડો. ઋષિ માથુરે આ વિશે જણાવ્યું કે, સામાન્ય રીતે બાળક 5 વર્ષથી મોટું થાય ત્યારે મોતિયાના લક્ષણો દેખાય છે. તેને ઓપરેટ કરાય છે. પરંતુ આ એક યુનિક કહેવાય તેવું ઓપરેશન હતું. નવા જન્મેલા દસ હજાર બાળકોમાં 4 થી 5 બાળકોને આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. સુરતના લક્ષિતને થયેલ આ મોતિયો પણ તેમાંનો જ એક કિસ્સો છે. જન્મ સમયે આ બીમારીની જાણ બાળકના માતાપિતાને થતી નથી. પરંતુ જ્યારે બાળક ચાલવાનું શીખે ત્યારે તે કોઈક વસ્તુ સાથે અથડાય કે પડી જાય ત્યારે ખ્યાલ આવે છે કે તેને આ પ્રકારે આંખનો મોતિયો છે. જેને મેડિકલની ભાષામાં ડેવલપમેન્ટ કેથરેક કહેવાય છે. નાના બાળક પર આ પ્રકારની સર્જરી ખૂબ જટિલ હોય છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થતો હોય છે, જ્યારે સિવિલમાં આ સર્જરી વિનામુલ્યે કરવામાં આવી છે.


આ પણ વાંચો : આણંદમાં આકાશમાંથી વરસેલા ગોળાની તપાસ શરૂ કરાઈ, કોઈ મોટા રહસ્યોના સંકેત 


માત્ર અઢી વર્ષના બાળકનું ઓપરેશન એ ખૂબ જ જટિલ ઓપરેશન ગણાય છે. જેમાં બાળકની આંખની કીકીની સાઈઝ તેની સાથે સાથે આંખનો પડદો, બાળકની શારીરિક સ્થિતિ, બાળકના હૃદયના ધબકારા સહિત અનેક ટેસ્ટ કર્યા બાદ આવા બાળકનું ઓપરેશન કરવામાં આવે છે. આવા કેસમાં જો સમયસર સારવાર કે તકેદારી રાખવામાં ન આવે તો બાળકની દ્રષ્ટિ ગુમાવવા સુધીનો પણ ભય રહેતો હોય છે.