દીવાળીમાં જામ છલકાવવા મોંઘા પડશે! દારૂની પરમિટ મેળવવામાં ખિસ્સા ખાલી થઈ જશે, ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો
સામી દીવાળીએ હવે લિકર માટેની પરમિટના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા દારૂ પીવાનો શોખ ખિસ્સાને ભારે પડી શકે છે.
સુરતીઓને હવે પરમિટનો દારૂ પીવો મોંઘો પડી જવાનો છે. દીવાળી નજીક છે અને તહેવારોમાં અનેક લોકો જામ છલકાવતા હોય છે. ત્યારે સામી દીવાળીએ હવે લિકર માટેની પરમિટના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા દારૂ પીવાનો શોખ ખિસ્સાને ભારે પડી શકે છે. હવે જો તમારે લિકરની પરમિટ કઢાવવી હોય તો સીધા 15 હજાર રૂપિયા વધારે ચૂકવવા પડશે.
અગાઉ અરજી કરનારાએ પણ વધારો ચૂકવવો પડશે
પહેલેથી લિકર માટે અરજી કરી હશે તો પણ તમારે નવી ફી એટલે કે વધારો ચૂકવવો પડશે. નવી સિવિલ હોસ્પિટલ સ્થિત રોગી કલ્યાણ સમિતિ દ્વારા તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે હવે દારૂના શોખીનો કે જેઓ પરમિટ મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા તેમણે હવે વધુ ભાવ ચૂકવવો પડશે. અત્રે જણાવવાનું રાજ્યમાં દારૂબંધી છે પરંતુઆમ છતાં સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને દારૂ પીવાની પરમિટ લેનારાઓની સંખ્યા વધી રહી છે. અત્રે જણાવવાનું કે એકલા સુરતમાં ૧૨૫૦૦ કરતાં વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. જાન્યુઆરી 2024માં આ આંકડો 44002 પર પહોંચ્યો. ત્યારે નવી લિકર પરમિટ મેળવવા માટેના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.
શું હતો જૂનો ભાવ
નવી લિકર પરમિટ માટે જે 10,000 રૂપિયા ચૂકવવા પડતા હતા તેનો નવો ભાવ 25,000 રૂપિયા કરી દેવાયો છે. આમ લિકર પરમિટ મેળવવા માટે હવે 150 ટકા વધુ રકમ ખર્ચવી પડશે. જ્યારે પરમિટ રિન્યૂ કરવાનો જૂનો ભાવ રૂ. 5000 હતો જેમાં સીધો વધારો કરીને રૂ. 20,000 કરવામાં આવ્યો છે. શહેરમાં લિકરની પરમિટના ભાવમાં ગત મહિને મળેલી સંકલનની બેઠકમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવી લિકર પરમિટ એક વર્ષ માટે અપાશે જ્યારે રિન્યુઅલ બે વર્ષ માટે કરી શકાશે.