ચેતન પટેલ/સુરત :સુરતમાં એક અજીબ ઘટના બની છે. સુરતમાં એક સાથે 34 વિદેશી પક્ષીઓના મોત થયા છે. સુરતમાં ડિસ્ટ્રીક્ટ બેંકના કાચ સાથે પક્ષીઓનું ઝુંડ ટકરતા 34 પક્ષીઓના મોત થયા છે. બન્યુ એમ હતુ કે, બિલ્ડીંગમા લગાવાયેલા કાચને કારણે પક્ષીઓ મૂંઝવાયા હતા અને અથડાઈને મોતને ભેટ્યા હતા. જીવદયા સંસ્થા દ્વારા તમામ પક્ષીઓનો કબ્જો લેવામાં આવ્યો છે. આ પક્ષીઓ યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ હતા, જે દર વર્ષે વિદેશથી આ સીઝનમાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંક આવેલી છે. કચેરીની આ મુખ્ય ઓફિસ પાસે ગુરુવારે બપોરે અજીબ ઘટના બની હતી. બપોરના સમયે પક્ષીઓનું આખુ ઝુંડ ઈમારતના કાચના એલિવેશન સાથે ટકરાયુ હતું. આ સાથે જ બિલ્ડીગમાં ધડાકા સાથે અવાજ થયો હતો. બેંકમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા અને ગભરાઈને બહાર આવી ગયા હતા. સિક્યુરિટી જવાને આવીને જોયુ તો નીચે ઢગલાબંધ પક્ષીઓ પડ્યા હતા. કેટલાક ટળવળી રહ્યા હતા, તો કેટલાક મોતને ભેટ્યા હતા. ગ્લાસની વોલ સાથે ટકરાતા લગભગ 34 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હતા.


આ મામલે જીવદયા સંસ્થાનો સંપર્ક કરાયો હતો, જેમણે પક્ષીઓના કબજો લીધો હતો. બીજી તરફ બેકના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યુ કે, આ બિલ્ડીંગમાં લગાવેલ કાચના કારણે પક્ષીઓ મુંઝવાયા હોય એમ લાગી રહ્યું છે. 



કોંક્રિટના શહેરોમાં કાચના એલિવેશન લગાવવાનુ પ્રમાણ વધી રહ્યુ છે. આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત થાય છે. જેથી અનેક પક્ષીઓ મોતને ભેટે છે. 


મોતને ભેટેલા પક્ષી વિદેશથી આવ્યા હતા
અનેક બિલ્ડિંગ બહાર જે ગ્લાસ લગાવવામાં આવે છે, તેમાં આકાશનું રિફલેક્શન પડે છે. જેથી પક્ષીઓ આવા પ્રતિબિંબ ગ્લાસથી ભમરાઈ જતા હોય છે. આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા પક્ષીઓ એક સાથે ગ્લાસ સાથે અથડાયા હતા અને નીચે પટકાયા હતા. શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. આવામાં જ તેઓ મોતને ભેટ્યા તેવુ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું.