સુરતઃ પાટિદાર અનામત આંદોલન સમિતિના સુરતના નેતા અલ્પેશ કથિરિયાને સોમવારે જજના બંગલે રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ જજ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલ ના નિવાસ સ્થાનેથી અલ્પેશની કરાઈ હતી ધરપકડ
વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાસના સુરતના નેતા અલ્પેશ કથીરિયાની હાર્દિકના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. અમદવાદ ક્રાઇમબ્રાંચે આરોપી અલ્પેશ કથીરિયાની પૂછપરછ અને નિવેદન નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 


2015થી અલ્પેશ ફરાર હતો
અલ્પેશ કથિરીયા વર્ષ 2015થી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચને અલ્પેશ કથીરિયાના ફોન ઇન્ટરસેપશનમાં રાજદ્રોહના પુરાવા મળ્યા હતા. જેના કારણે અલ્પેશનું નામ પણ રાજદ્રોહના કેસમાં આરોપી તરીકે જોડવામાં આવ્યું હતું. ત્રણ ત્રણ વર્ષથી પોલીસ ચોપડે અલ્પેશ ફરાર હતો. રવિવારે એક કાર્યક્રમમાં અલ્પેશ પોલીસને મળી આવતાં તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.


જજના ઘરે રજૂ કરાયો 
ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશની ધરપકડ કર્યા બાદ તે અત્યાર સુધી ક્યાં છુપાયો હતો અને કઈ ગતિવિધીમાં સંડોવાયેલો હતો તેની પુછપરછ શરૂ કરી હતી. સોમવારે સાંજે અલ્પેશને સુરતમાં જજના ઘરે રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્પેશ માટે 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, પરંતુ જજ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.