અમદાવાદઃ હાર્દિક પટેલની સહિતના નેતાઓની અટકાયત બાદ સુરતમાં પણ કેટલાક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાર્દિકની અટકાયતના વિરોધમાં સુરતમાં કેટલાક લોકો ધરણાં પર બેઠા હતા જો કે પોલીસે આ લોકોને અટકાવ્યા હતા જે બાદ કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા. હાર્દિકને છોડી મુકવાની માગ સાથે લોકોએ વિરોધ કર્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈને પોલીસનો વધુ કાફલો ખડકી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે ઉપવાસ પર બેસે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી હતી. તો હાર્દિકની અટકાયત થતા પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો. હાર્દિકને છોડવા માટે અનેક જગ્યાએ પાટીદારોએ વિરોધ શરૂ કર્યો હતો. સુરતમાં પણ મિની બજાર ખાતે પાટીદારોએ હાર્દિકને છોડવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા છે. તો બીજીતરફ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


અમદાવાદમાં પાસનો હાર્દિક પટેલ 25મી ઓગસ્ટે ઉપવાસ પર બેસવાનો હતો પરંતુ તેને પોલીસે મંજૂરી આપી ન હતી. તો તેણે આજે મંજૂરી વગર એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી. તેના વિરોધમાં સુરતમાં પાટીદારો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. 


અલ્પેશ કથિરીયાની પણ અટકાયત
સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની પણ અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી. જેને પગલે સુરતના પાટીદારોએ હાર્દિક, અલ્પેશ સહિત જેટલા લોકોની અટકાયત કરી છે તેને છોડવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા છે અને કહ્યું કે, જ્યાં સુધી તમામને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવામાં આવશે. 


ધરણામાં જોડાયા કોંગ્રેસના કોર્પોરેટર
સુરતમાં પાટીદારો દ્વારા શરૂ થયેલા ધરણામાં કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે. સુરતના મિની બજારમાં ધરણા કાર્યક્રમ ખાતે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા પણ હાજર રહ્યાં છે. તેમણે પણ હાર્દિકને છોડવાની માંગ કરી છે.