સુરતઃ જેનેરિક દવાઓના ઉપયોગ અને જનઔષધિ પરિયોજનાના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે દેશભરમાં તા.1 થી 7  માર્ચ દરમિયાન જનઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે 'તા. 7 માર્ચ- જનઔષધિ દિન'ના ઉપલક્ષ્યમાં 'જનઔષધિ.. જનઉપયોગી'ની થીમ પર ક્રિભકો હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. સુરતના હજીરાના ક્રિભકો ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિત સુરતના લાભાર્થીઓ, શોપ સંચાલકો વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સુરત શહેરના કોર્પોરેટર ઉર્વશીબેન પટેલ સાથે રસપ્રદ સંવાદ કર્યો હતો. 
                 
નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જનઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટનો ઉદ્દેશ પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રદાન કરવાનો છે. ધનને બચાવીને જન જનના તન મનને સ્વસ્થ કરવામાં જન ઔષધિ કેન્દ્રો સમાજ સેવાનું મોટું માધ્યમ બન્યા છે. આજ સુધીમાં દેશભરમાં ખુલેલા ૮,૬૭૫ જનઔષધિ કેન્દ્રોમાં દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને અત્યંત કિફાયતી અને ગુણવત્તાસભર દવાઓ મળી રહી છે. દેશના દરેક જિલ્લામાં એક એક મેડિકલ કોલેજ સ્થાપિત થાય એ કેન્દ્ર સરકારનું આગવું લક્ષ્ય છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે કેન્સર, ક્ષય, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગોની સારવાર માટે જરૂરી ૮૦૦ થી વધુ દવાઓના ભાવ પણ નિયંત્રિત કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ સુરત: પાંડેસરામાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને ફાંસીની સજા
             
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, પી.એમ. જનઔષધિ કેન્દ્રોમાં મળતી જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત, ગુણવત્તાયુક્ત  અને ફાયદાકારક છે. સાથે અન્ય દવાઓની તુલનાએ સસ્તી હોય છે. તેમણે માત્ર એક રૂપિયાના સેનેટરી નેપકીનથી કરોડો મહિલાઓને રાહત થઈ હોવાનું જણાવી 21 કરોડ સેનિટરી નેપકિનનું વેચાણ થયું હોવાનું ઉમેર્યું હતું.


કોર્પોરેટર ઉર્વશીબેન પટેલ સાથે કર્યો સંવાદ
કોર્પોરેટર ઉર્વશીબેન પટેલ સાથે સંવાદ કરી પ્રધાનમંત્રીએ તેમને સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો એવું જણાવતાં પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ઉર્વશીબેને પીએમ સાથે વાર્તાલાપ દરમિયાન સુરતમાં જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ ખરીદી જરૂરિયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અર્પણ કરવાની તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું. પીએમ મોદીએ રાજકીય કાર્યકર તરીકે તેમની સેવા ભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે, રાજકારણ સાથે સમાજ સેવાને જોડવાના પ્રયાસો પ્રેરણાદાયી છે. જેનાથી જાહેર જીવનમાં સેવાની ભૂમિકામાં વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube