સુરતમા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, પામોલીન તેલમાંથી બનાવેલ ઘી ઓનલાઈન તમામ સાઈટ પર વેચાતું
Crime News : સુરતમાં ઓનલાઈન શુદ્ધ ઘી વેચવાના આડમાં નકલી ઘીનો વેપાર થતો હતો. પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યા છે
સંદીપ વસાવા/સુરત :ઓનલાઈન સાઈટ પર બ્રાન્ડેડ કંપનીનું નામ આપી ડુપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ પોલીસે કર્યો છે. કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. બનાવતી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું. જેનો પર્દાફાશ કરી પોલીસે 14.37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સરળતાથી રૂપિયા કમાવા માટે બે નંબરિયાઓ અનેક તરકીબો કિમીયાઓ અપનાવતા હોઈ છે. ઓનલાઇન સાઈટ પરથી ચીજવસ્તુઓની ખરીદી કરી ઘર બેઠા પહોંચી જાય તેવું લોકો પસંદ પણ કરી રહ્યાં છે. પરંતુ ઓનલાઈન સાઈટનો લોકો જેટલો સદુપયોગ કરે છે તો ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. બ્રાન્ડેડ નામ આપી ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા કૌભાંડનો પર્દાફાશ સુરત જિલ્લાની કીમ પોલીસે કર્યો છે. પોલીસે તબેલાની આડ ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે. કીમ પોલીસ મથકના પીએસઆઈ જે.એસ. રાજપૂતની ટીમને બાતમી મળી હતી કે, કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલ જગ્યામાં મેહુલ ગોપાળભાઈ પટેલ નામનો ઇસમ તબેલાની આડમાં બનાવેલ ફેકટરીમાં બનાવતી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે કીમ પોલીસે રેડ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં થઈ રહી દૂધની ચોરી, પૂર્વ વિસ્તારોમાં બાઈક પર આવતા બે ચોરોનો ખૌફ ફેલાયો
પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો હતો. અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌ શાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલ ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. બાદમાં ઘી ચોખ્ખું દેખાઈ તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકનાં ડબ્બામાં પેક કરતો હતો. ડબ્બા પર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. ખાસ આરોપી દ્વારા ડુપ્લીકેટ વસ્તુના વેચાણ માટે ઓનલાઇન સાઈટનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. જીઓ માર્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી સાઈટ પર આ પ્રોડક્ટનું વેચાણ કરતો હતો.
સ્થળ પરથી કબ્જે કરેલ મુદ્દામાલ
- 1 કિલો વાળી પ્લાસ્ટિકની દેશી ઘી ભરેલી બોટલો નંગ 1072 જેની કિંમત રૂપિયા 12,97,120/-
- સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામોલીન ઓઇલ તેલના ડબ્બા નંગ 17 કિંમત રૂપિયા 34,000/-
- સ્ટીકર વગરના 11 પામોલીન તેલના ડબ્બા કિંમત રૂપિયા 22,000/-
- સુમન પ્રીમિયમ બ્રિડ રિફાઇન્ડ પામોલીન તેલના 32 બોક્ષ કિંમત રૂપિયા 30,000/-
- ગેસના બાટલા, તપેલા, કેન, ઇલેક્ટ્રિક મશીન તેમજ બરણી મળી કુલ 14,37,970 /- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
હાલ તો પોલીસે બનાવેલ બનાવટી ઘીના અલગ અલગ નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લઈ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. જોકે પોલીસે હાલ ઓનલાઈન સાઈટ પરથી ચીજવસ્તુની ખરીદી કરતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સાનો પર્દાફાશ કરી નાંખ્યો છે.