ચેતન પટેલ/સુરત :ટેકનોલોજીનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. એક તરફ ટેકનોલોજી લોકો માટે સુખાકારી આપી રહ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો તેનો ભોગ પણ બની રહ્યા છે. શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવાની લોભામણી વાતો કરીને અલગ અલગ સર્વિસ ચાર્જના નામે પૈસા ઉઘરાવીને છેતરપિંડી કરનાર ગેંગના ત્રણ સભ્યો પકડાયા છે. તેમને સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ ‘ધ માર્કેટ જનરલ કંપની’માંથી બોલતા હોવાનું જણાવીને શેર માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું તે બાબતેની ટિપ્સ આપવાની લોભામણી વાતો કરતા હતા અને લોકો પાસે પૈસા ખંખેરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના એક યુવકને જુલાઈ 2021 દરમિયાન એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે વ્યક્તિ ધ માર્કેટ જનરલ કંપની માંથી બોલે છે અને તેઓની કંપની શેર માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું તે બાબતેની ટિપ્સ આપે છે. તેમની કંપની દ્વારા આપવામાં આવેલી ટિપ્સના આધારે જો રોકાણ કરવામાં આવે તો તેમને ખૂબ મોટો ફાયદો ટૂંકા સમયમાં થાય તેવું જણાવ્યું હતું. જેથી કોલ કરનાર વ્યક્તિની વાતોમાં આવી જઈને સુરતના યુવકે આ વ્યક્તિએ જણાવેલ એકાઉન્ટમાં સર્વિસ ચાર્જ અને જીએસટી ચાર્જના નામે પૈસા જમા કરાવ્યા હતા. 


આ પણ વાંચો : જૂનાગઢના દાતાર પર્વતે શણગાર કર્યો, વરસાદમાં ધોધ વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા


ત્યારબાદ આ યુવકને એવું જણાવાયું હતું કે, તેમનું શેર માર્કેટનું એકાઉન્ટ એએબી એસોસિયેટ કંપની હેન્ડલ કરશે અને તેમાંથી તમને ફોન આવશે. ત્યારબાદ યુવક પર ફોન આવ્યો હતો અને તેણે પણ એકાઉન્ટ હેન્ડલ કરવાના ચાર્જીસના નામે રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પ્રકારની ગતિવિધિ લગભગ છ મહિના સુધી ચાલી હતી. ડિસેમ્બર 2021 માં આ યુવકને ખ્યાલ આવ્યો હતો કે તેણે રોકેલા પૈસાનો કોઈ ફાયદો તેને દેખાઈ નથી રહ્યો. ત્યાં સુધીમાં આ યુવક પાસેથી ઠગ ટોળકી એ લગભગ 16 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. 


આ પણ વાંચો : માઘવરાયજી પાણીમાં સમાયા, ગીર-સોમનાથમાં ભારે વરસાદ બાદ મંદિર પાણીમા ગરકાવ


પોતે છેતરાયા હોવાની જાણ થતા જ સુરતના યુવકે સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાને ગંભીરતાથી લઈને આ યુવકને ફોન કરનાર વ્યક્તિઓના ફોન તેમજ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટ અને google પે નંબર દ્વારા ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સેલને સફળતા મળી હતી અને તેમાં ઈન્દોર ખાતે રહેતા ત્રણ યુવકોના નામ ખૂલ્યા હતા. જેમાં રાહુલ, લોકેન્દ્ર અને જીતેન આ ત્રણ યુવકો આ પ્રકારે કોલ કરીને લોકો સાથે અલગ અલગ સર્વિસ ચાર્જના નામે પૈસાની ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું હતું. 


આ પણ વાંચો : જગત મંદિર દ્વારકામાં કેમ અડધી પાટલીએ ધજા ચઢે છે, અબોટી બ્રાહ્મણો સાથે સંકળાયેલી આ વાત છે રોચક


સુરત સાયબર સેલની ટીમે ઈન્દોર જઈને આ ત્રણેય યુવકોની અટકાયત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાહુલ જે મુખ્ય માસ્ટર માઈન્ડ હતો તે લોન કન્સલ્ટનનો ધંધો કરતો હતો. તેમજ અન્ય યુવક લોકેન્દ્ર મજૂરી કામ કરતો હતો અને જીતેન નોકરી કરતો હતો. આ ત્રણેય યુવકોની અટકાયત કર્યા બાદ સુરત સાયબર સેલ દ્વારા ત્રણેયને ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યા હતા. ત્રણેય યુવકોની ધરપકડ બાદ સુરત સાયબર સેલ દ્વારા હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ત્રણેય દ્વારા અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે. તેમજ કુલ કેટલા રૂપિયાની ઉઘરાણી આ ત્રણેય ઈસમો દ્વારા કરવામાં આવી છે તે દિશામાં હાલ સુરત સાઇબર સેલ તપાસ કરી રહી છે અને શક્યતા જોવાઈ રહી છે કે આ ત્રણેય દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીનો આંકડો હજુ મોટો થઈ શકે છે.