તેજશ મોદી/સુરત :હનીટ્રેપની ઘટનાઓ સતત બની રહી છે, લોકોને ભોળવી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. તેમાં પણ સુરત હનીટ્રેપની ઘટનાઓનું એપી સેન્ટર કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં આવી જ એક ઘટના બની છે, જેમાં એક એક મહિલાએ વૃદ્ધ પાસે લિફ્ટ માંગી, અને તેને ચપ્પુ બતાવી અશ્લીલ ફોટા પાડી લાખો રૂપિયા પડાવ્યા હતાં. પોલીસ ફરિયાદ થતાં પોલીસે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, એક મહિલાએ એક વૃદ્ધ કારચાલક પાસે એલપી સવાણી રોડ પાસે લિફ્ટ માંગી હતી. તેની સાથે કેટલાક લોકો પણ હતા. ત્યારે મહિલાએ વૃદ્ધને જણાવ્યું હતું કે અમારે હોસ્પિટલના કામ અર્થે જલ્દી જવાનુ છે. જેથી અમને લિફ્ટ આપશો, મદદ કરવાના ઇરાદે તે વ્યક્તિ કારમાં બેસી ગયા હતાં. આ દરમિયાન આરોપીએ કાર ચાલક વૃદ્ધને ચપ્પુ બતાવી તેને અડાજણ મધુવન સર્કલ પાસે કોઈ અજાણ્યા ફ્લેટમાં લઈ ગયા હતાં. ત્યાં અન્ય બે મહિલા  તથા બે પુરૂષ પહેલેથી જ હાજર હોય તે પૈકીના એક પુરૂષ સાગરીતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કહ્યું હતું કે, ‘તુ આ બંન્ને મહિલા વચ્ચે ઉભો રહી જા.’ બાદમાં કાર ચાલકને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી આ બંન્ને મહિલાઓ વચ્ચે ઉભા રાખી તેના ફોટા પાડી લીધા હતાં. 


આ પણ વાંચો : નવસારીનો યુવાન KBC માં 50 લાખ જીત્યો, 75 લાખના સવાલનો સાચો જવાબ આપીને પણ હારી ગયો


ત્યાર બાદ આ તસવીરોને વાયરલ કરવાની ધમકી આપી હતી, અને આ ફોટાઓ વાઇરલ ના કરવા 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલુ જ નહિ, જો પૈસા ન આપે તો કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. જેથી વૃદ્ધ ચાલકે પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનુ નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલિક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીના સંકજામાંથી છુટવા સારૂં 5 લાખ રૂપિયા આપ્યા હતાં. 


આરોપીઓને રૂપિયા આપી દેતા આરોપીઓએ કાર ચાલકને પોતાની કારમાં મોટી ટોકીઝ પાસે છોડી દીધો હતો. સમગ્ર ઘટના અંગે અન્ય લોકોની સાથે ચર્ચા બાદ વૃદ્ધ વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે તમામ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમ બનાવી હતી. પોલીસે બાકીના આધારે લાલ શિવરાજભાઇ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ જગદીશભાઇ પટેલ, લલીતભાઇ ખીમજીભાઇ ચૌહાણ અને રૂકીયાબેન ઉર્ફે ફાતીમાબેન ઉર્ફે રીના તે અબ્બાસભાઇ વ્હોરાની ધરપકડ કરી હતી.