સુરતના વિદ્યાર્થીઓએ બનાવેલી ડિજિટલ પેન અને એપની ચારેબાજુ ચર્ચા, આ રીતે કરે છે લોકોની મદદ
સુરત શહેરના ચાર વિદ્યાર્થીઓએ ખાસ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે. આ પેન એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે જેમના સ્નાયુઓ અકસ્માતના કારણે વીક થઈ ગયા છે અથવા તો તેઓ પક્ષઘાતનો શિકાર બન્યા છે.
ઝી બ્યુરો/સુરત: સુરત શહેરના ચાર વિદ્યાર્થીઓએ ખાસ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે. આ ડીજીટલ પેન એવા લોકો માટે ખાસ ઉપયોગી રહેશે કે જે લોકોના અકસ્માતના કારણે મસલ્સ વિક થઇ ગયા હોય તેમજ પેરાલીસીસના દર્દીઓ કે જેઓની આંગળીઓ બરોબર ચાલતી નથી. આ પેનની ઉપર સેન્સર આવેલું છે જેના પર આંગળીઓના માધ્યમથી જાણી શકાય છે કે મસલ્સમાં કેટલી એક્ટિવિટી છે. આ ઉપરાંત તેનો ડેટા પણ તાત્કાલિક જ મળી જાય છે.
ચાર વિદ્યાર્થીઓ દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરાયો
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીએસસી આઈટીના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે આ પ્રોજેક્ટને મુંબઈ આઇઆઇટીમાં આઈડિયા કોમ્પિટિશન ચેલેન્જની અંદર બેસ્ટ ટેકનીકલ પ્રેઝન્ટેશનમાં ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે. આ ખાસ પ્રોજેક્ટ એમએસસી આઈટીના પ્રોફેસર ડોક્ટર હિતેશ લાડના આગેવાનીમાં બીએસસી આઈટીના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય તમન્ના શાહ, 19 વર્ષીય વ્રજ સુરતવાળા ,20 વર્ષીય ખુશનાઝ કુમસીયા અને 20 વર્ષીય ક્રિષ્ના નડિયાદરાએ તૈયાર કર્યો છે.
સેન્સર આંગળીના પ્રેશર અંગે આંકડાકીય માહિતી આપશે
આ પેનની ખાસિયત છે કે તેની અંદર સેન્સર છે અને જો કોઈ પણ દર્દી જ્યારે આ પેનના સેન્સર પર દબાણ કરે ત્યારે સેન્સર આંગળીના પ્રેશર અંગે આંકડાકીય માહિતી આપે છે અને આ માહિતી તરત જ દર્દીને મળી જાય છે એટલું જ નહીં આ આંકડાકીય માહિતી ગ્રાફિક્સના માધ્યમથી દર્દીને મળતું હોય છે. જેથી તેઓ પોતાની ઝડપી રિકવરી માટે કાર્ય કરી શકે છે અને ડોક્ટરોને આ રિપોર્ટ બતાવી શકે છે. આ સાથે અન્ય એક પેન પણ વિદ્યાર્થીઓએ બનાવી છે. આ પેનથી જ્યારે કોઈ દર્દી કાગળ પર લખે અને તેનો ફોટો ખેંચીને મોડલ પર એનાલિસિસ કરવામાં આવે તો એઆઈના માધ્યમથી ખબર પડી જશે કે તેઓએ કયા શબ્દો ખોટા લખ્યા છે અને તેમાં તેની ઉપર કેટલી મહેનત કરવાની જરૂર છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે હાર્ડવેર થી લઈ સોફ્ટવેર પણ આ ચારેય વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે.
AI સંચાલિત એપ અને પેન બનાવી
આ ઉપરાંત પેન દ્વારા જે પણ લખવામાં આવે છે તેનું મોનેટરીંગ મોબાઇલ એપ્લિકેશન પર થાય છે.વિદ્યાર્થીની ક્રિષ્ના નડિયાદરાએ જણાવ્યું હતું કે, અમે જોઈએ છે કે હાલના દિવસોમાં અકસ્માતના કિસ્સાઓ વધ્યા છે. એને કંટ્રોલ કરવા માટે તો સરકારી વિભાગો કાર્યરત છે પરંતુ એક વિદ્યાર્થી તરીકે અમે આ મુદ્દા પર કામ કરવાનું નક્કી કર્યું હતું અકસ્માત બાદ જે મસલ્સ ઇન્જરી આવે છે એ ઝડપથી કઈ રીતે સારું થાય આ માટે આ એઆઈ સંચાલિત એપ અને પેન બનાવી છે. ટૂંક સમયમાં અમે આને પેટર્ન કરવા જઈ રહ્યા છે જેથી લોકો આનો લાભ લઈ શકે.
આ જે પેન છે તેના અંદર સેન્સર
વિદ્યાર્થીની તમન્ના શાહે જણાવ્યું હતું કે, અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેનું નામ ક્રાઈબ્રાઇડ છે જેની અંદર બે વસ્તુ આવે છે એક પેન છે જે હાર્ડવેર છે અને અમે ફોન એપ્લિકેશન બનાવ્યું છે. આ જે પેન છે તેના અંદર સેન્સર છે. જે ડેટા ડાયરેક્ટલી અમને ફોન એપ્લિકેશનમાં આપે છે. જ્યારે પણ યુઝર પેનથી લખતો હોય. તે જોઈ શકે છે કે આંગળીથી કેટલું પ્રેશર તે પેન પર જનરેટ કરી શકે છે. આ સમગ્ર આંકડા તે રીયલ ટાઈમ પર જોઈ શકે છે. સાથે સાથે આ ડેટા અમે ક્લાઉડ પર પણ મોકલાવ્યું છે જેનાથી એક ગ્રાફ જનરેટ થાય.
દર્દીની શું સ્થિતિ છે તે સહેલાઈથી જાણી શકે છે
આ ગ્રાફ ડોક્ટર વાપરી શકે છે. દર્દીની શું સ્થિતિ છે તે સહેલાઈથી જાણી શકે છે. સાથે અમે અન્ય મોડ્યુલ પણ બનાવ્યું છે આ પેનથી જ્યારે પણ દર્દી કાગળ ઉપર કંઈ પણ લખશે અને ફોટો પાડીને મોડલને આપશે તે ટેક્સ ફોર્મેટ માં કન્વર્ટ કરે છે જેનાથી દર્દી જોઈ શકે છે કે તેમનું કહ્યું શબ્દ ખોટું લખાયું છે કેટલી ઇમ્પ્રુવમેન્ટની તેમને જરૂર છે આ સમગ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જાણી શકાય છે. આ માટે અમે અલગથી એલગોરીધમ વાપર્યું છે.
ઇન્ટરપિનર કઈ રીતે બનાવી શકાય એની તાલીમ અપાઈ
પ્રોફેસર ડોક્ટર હિતેશકુમાર લાડના માર્ગદર્શન હેઠળ તેઓએ આ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યું છે જેને લઈને હિતેશ કુમારે જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓએ યંત્ર આઇઆઇટી મુંબઈ આઈડિયા કોમ્પિટિશન ચેલેન્જની અંદર બેસ્ટ ટેકનીકલ પ્રેઝન્ટેશનમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં લગભગ 299 ટીમો એ ભાગ લીધા હતા. આ કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થીઓને ઇન્ટરપિનર કઈ રીતે બનાવી શકાય એની તાલીમ આપવામાં આવે છે.
ગૂગલ ફોર્મ થકી 200 જેટલા ફિઝિયોથેરાપીસ્ટનું સર્વે
અમારા વિદ્યાર્થીઓ સૌથી પહેલા પાંચ ફિઝીયોથેરાપિસ્ટ પાસે ગયા હતા અને ત્યારબાદ ગૂગલ ફોર્મ થકી 200 જેટલા ફિઝિયોથેરાપીસ્ટનું સર્વે કર્યું છે. ત્યારે તેમને આઈડિયા આવ્યો કે જે પેરાલીસીસ દર્દીઓ હોય અથવા તો એક્સિડન્ટના કારણે મસલ્સમાં ઇન્જરી આવી હોય તેમની માટે મેજરમેન્ટ ટૂલ બનાવવામાં આવે. વિદ્યાર્થીઓ આ પેન બનાવી છે સેન્સર થકી પ્રેશર સેન્સ કરી શકે છે.
ઘરે બેસીને જાણકારી મેળવી શકે છે
આ સેન્સર ના ડેટા સીધા મોબાઈલ એપ્લિકેશન ક્લાઉડ પર મોકલી શકાય છે સાથો સાથ જે પણ અક્ષર અને શબ્દો છે તેનો ફોટો પાડી તે પોતે વ્યક્તિ એનાલિસિસ કરી શકે છે કે તે યોગ્ય લખી શકે છે કે નહીં. અને તેમને ખબર પડશે કે કયા મૂળાક્ષર લખવામાં તેમને મુશ્કેલી થઈ રહી છે. સાથે આંગળીની જે શક્તિ છે ત્યાં સમસ્યા છે તે અંગે ઘરે બેસીને જાણકારી મેળવી શકે છે અને જો સમસ્યા વધારે હોય તો ડોક્ટર પાસે પણ આ રિપોર્ટ લઈને જઈ શકે છે.