કોરોનાકાળમાં ફરી જીવંત થશે પારસી નાટકો, ફરી દર્શકો પેટ પકડીને હસશે
- કેનેડા અને આખા ઉત્તર અમેરિકામાં તેમના નાટકનું ડિજિટલ રૂપે પ્રદર્શન કરનાર આ સુરતનું પહેલું જૂથ હશે
- આ સાબિત કરે છે કે, કરંજીયા પરિવાર ક્યારેય પણ સ્ટેજથી કદી દૂર રહેશે નહીં
ચેતન પટેલ/સુરત :કોરોનાકાળમાં કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો સુરતના 62 વર્ષ જૂના બે પારસી એકાંકી (parsi play) ને જોઈ પેટ પકડીને હસતા જોવા મળશે. કોરોનાકાળમાં લોકો અનેક રીતે માનસિક તણાવમાં છે. આ તણાવ દૂર કરવા માટે કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકોએ પદ્મશ્રી યઝદી કરંજીયાનો સંપર્ક કરી તેમના પ્રખ્યાત બે નાટક રેકોર્ડ કરીને મંગાવ્યા છે.
કોરોના મહામારી પછી આખું મનોરંજન ઉદ્યોગ ઠપ્પ થઈ ગયું છે. હવે પછીનું દૃશ્ય શું હશે અને વસ્તુઓ કેવી રીતે ટ્રેક પર આવશે તે કોઈને ખબર નથી. દરેક વ્યક્તિ ચિંતિત અને માનસિક તણાવમાં છે. આવી સ્થિતિમાં કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો માટે ખાસ ત્યાંથી પારસી કોમેડી પ્લે પ્રદર્શિત કરવા માટે સુરતનાં પ્રખ્યાત થિયેટર ગ્રૂપ "કરજિયા આર્ટ્સ" નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોના રોગચાળાના કારણે કોઈ ફ્લાઈટ્સ અથવા પરિવહન ન હોવાના કારણે તેઓએ ડિજિટલ જવાનું નક્કી કર્યું હતું અને યઝદી કરંજીયાને અનુરોધ કર્યો હતો કે તેમના 62 વર્ષ જૂના બંને હાસ્ય નાટકોને રેકોર્ડ કરી તેઓ મોકલે.
આ પણ વાંચો : વડોદરાના તબીબનો મોટો ખુલાસો, શિયાળાની મોર્નિંગ વોકથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે
આ રીતે કેનેડા અને આખા ઉત્તર અમેરિકામાં તેમના નાટકનું ડિજિટલ રૂપે પ્રદર્શન કરનાર આ સુરતનું પહેલું જૂથ હશે. 2 નાટકો ‘મુંગી સ્ત્રી’ અને ‘પારસી હરિશચંદ્ર’ રજૂ થશે. ‘મુંગી સ્ત્રી’ 26 મી ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ ડે ના દિવસે અને 1 જાન્યુઆરી 2021 ના રોજ ‘પારસી હરિશચંદ્ર’ રિલીઝ થશે. પદ્મશ્રી યઝદી કરંજીયા ખુદ નાટક ‘પારસી હરિશચંદ્ર’ નાટક રજૂ કરી રહ્યા છે. બંને નાટકોનું નિર્દેશન ‘ફરજાન કરંજીયા’ એ કર્યું છે. જેને યઝદી કરંજીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બંને પ્લેના બધા પાત્રો સમગ્ર યઝદી કરંજીયા પરિવાર દ્વારા જ કરવામાં આવે છે.
આ સાબિત કરે છે કે, કરંજીયા પરિવાર ક્યારેય પણ સ્ટેજથી કદી દૂર રહેશે નહીં. આ અંગે યઝદી કરંજીયાએ જણાવ્યું હતું કે, બંને નાટકમાં કરંજીયા પરિવારના તમામ સભ્યો સામેલ છે. બંને હાસ્ય એકાંકી છે અને હાસ્યના કારણે નકારાત્મકતાને દૂર કરી શકાય છે આ અમારો સંદેશ છે. અમે યુટ્યૂબ ઉપર નાના-નાના નાટકના અંશ મૂક્યા હતા. જેને જોઈ અમને સામેથી સંપર્ક કરવામાં આવ્યા છે..1958 માં આ હાસ્ય એકાંકી રજૂ કરાયું હતું.
આ પણ વાંચો : લગ્નમાં ભીડના મામલે લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ