Saurashtra University Survey: 4 વર્ષના બાળકની પિતાને ધમકી; `ઓનલાઈન સીરીયલ જોવા દયો નહીંતર મરી જઈશ`
એક પિતાએ ફરિયાદ કરી કે મારો પુત્ર મિત્રો પાસે પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા ટીવી પર આવતા શો વહેલા નિહાળવા માટે ઓટીટી જુએ છે. જ્યારે અન્ય વાલી કહે છે કે મારી દીકરીને ઓનલાઈન સીરિયલ અને વેબસીરીઝની લત લાગી છે.
ઝી ન્યૂઝ/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ઓટીટીની બાળકો અને યુવાનો પર ગંભીર અસર પર સર્વે અને કાઉન્સીલીંગ કરાયું છે. જેમાં 4 વર્ષના બાળકે ઉત્તરાયણ પર આગાશી પરની પારાપીટ પરથી એક પગ નીચે મૂકી જણાવ્યું છે કે ઓનલાઈન સીરિયલ નહિ જોવા દયો તો આપઘાત કરી લઈશ. જ્યારે અન્ય એક વાલીની ફરિયાદ હતી કે દીકરો ઓનલાઈન શિક્ષણના નામે ઓનલાઈન સીરીયલ અને શો જુએ છે અને કઈ કહીએ તો બુમબરાડા પાડે છે.
લગભગ એક વર્ષ પસાર થવા આવ્યું છે, ત્યારે આપણે સમજી ચૂક્યાં છીએ કે, આગળ પણ આપણે ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર રહેવું પડશે. ગેજેટ્સના વધી રહેલા વપરાશ સાથે વાચન, સમજૂતી, પ્રેરણા અને શીખનારની સામેલગીરીમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જોવા મળ્યું છે. શિક્ષણ અને સ્મૃતિની વાત આવે, ત્યારે ધ્યાન અથવા એકાગ્રતા મહત્વનું પાસું છે. અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, ધ્યાન આપવાનો સમય જેટલો ટૂંક હોય, શિક્ષણનું આઉટકમ પણ એટલું જ ઓછું હોય છે. ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, તે પહેલાં માતા-પિતાને તેમનું બાળક શાળામાં યોગ્ય રીતે અભ્યાસ કરે છે, પણ ઘરે બરાબર અભ્યાસ કરતું નથી, તે બાબતે ચિંતા સતાવતી હતી.
હવે જ્યારે ઓનલાઇન શિક્ષણ એક નિયમ બની ચૂક્યું છે, ત્યારે બાળકોનું ધ્યાન ઘરમાં ચાલી રહેલાં કાર્યો, પરિવારજનોની ચાલી રહેલી વાતચીતો, ટીવી પર ચાલી રહેલો કાર્યક્રમ વગેરે કારણોસર વિચલિત થાય છે અને જો કોઇ તેમને જોતું ન હોય, તો તેઓ બીજી કોઇ ઓનલાઇન પ્રવૃત્તિ કરવા લાગે છે. આ તમામ બાબતોની વચ્ચે બાળકો જે શીખવવામાં આવે છે, તેના પર ભાગ્યે જ ધ્યાન આપે છે. તેઓ થાકી પણ જાય છે. એક પિતાએ ફરિયાદ કરી કે મારો પુત્ર મિત્રો પાસે પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા ટીવી પર આવતા શો વહેલા નિહાળવા માટે ઓટીટી જુએ છે. જ્યારે અન્ય વાલી કહે છે કે મારી દીકરીને ઓનલાઈન સીરિયલ અને વેબસીરીઝની લત લાગી છે. જેથી મહીને રૂપિયા 3000 જેટલો ખર્ચ થઈ જાય છે. હું મજૂર છું અને મને ખર્ચ પોષાતો નથી. કોઈ ઉપાય બતાવે.
મનોવિજ્ઞાન ભવને 2520 લોકો પાસેથી માહિતી એકત્ર કરી કરેલા સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જે નીચે મુજબ છે.
1. ઓટીટી પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે એવું આપને લાગે છે?
- 88 ટકાએ હા જણાવ્યું છે.
2. વેબસીરીઝ આપ્યા બાદ બાળકોમાં ઈન્ટરનેટ અને જુદા જુદા ગેઝેટ્સ પ્રત્યે લગાવ વધ્યો છે?
- 100 ટકાએ હા જણાવી
3. ઓટીટી પ્લેટફોર્મમાં સેન્સર હળવું હોવાને કારણે બાળકો અભદ્ર વર્તણૂંક શીખે છે?
- 84 ટકાએ હા જણાવી
4. સેન્સર બોર્ડનું કડક નિયંત્રણ હોવું જોઈએ?
- 88 ટકાએ હા જણાવી
5. વેબસીરિઝમાં આક્રમકતા, બિભત્સતા અને અસંસ્કારિતા હોય છે?
- 84 ટકાએ હા જણાવી
6.સોશિયલ મીડિયાના આક્રમણથી બાળકોમાં અકારણ આક્રમકતા અને પ્રી મેચ્યોરિટી આવી છે?
- 96 ટકાએ હા જણાવી
7. ટીવી સીરીયલમા બતાવવામાં આવતા પેતરા, કિન્નાખોરી અને ઈર્ષા-અદેખાઈ બાળકોને બગાડે છે?
- 80 ટકાએ હા જણાવી
8. પોર્ન સાઈટ વળગણ, અશોભનીય વર્તણૂક અને પરિવારમાં અતડાપણું તેમજ આક્રમકતાનું કારણ શું છે?
- 44 ટકાએ ઓટીટી પ્લેટફોર્મ, 30 ટકા એ સોશિયલ મીડિયા, 14 ટકાએ સીરિયલો અને 12 ટકાએ માતા પિતાનો ઉછેર કારણભૂત હોવાનું જણાવ્યું છે.