હકીમ ઘડિયાલી/બોડેલી :પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવતી મહિલા અને પરિવારની કમાઉ વહુને પણ દહેજનો એવો ત્રાસ આપવામાં આવ્યો કે અંતે તેણે જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો. બોડેલીના દિવાળીબા પાર્ક સોસાયટીમા રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરિણીત મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સાસરી પક્ષ તરફથી દહેજ તેમજ રોકડ અને વારંવાર તકરાર કરી અને અસહ્ય માનસિક ત્રાસ આપી પરિણીતાને મોત માટે મજબૂર કરનારાઓ સામે પિયર પક્ષે ફરિયાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોડેલીના દિવાળીબા પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા શિલ્પાબેન જાંબુઘોડા તાલુકાના પનિયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. શિલ્પાબેને ગતકાલે અગમ્ય કારણોસર શાળામાં રજા મૂકી હતી અને દિવસ દરમ્યાન તેમણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી સોસાયટી સહિત સમગ્ર શિક્ષક આલમમાં ચકચાર મચી હતી. 


આ પણ વાંચો : આગામી 5 દિવસ સાચવજો, ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસશે


જેની તપાસ કરતા જાણવા મળ્યુ કે, મૂળ લુણાવાડા તાલુકાના નપાણીયા ગામના શિલ્પાબેનના લગ્ન લુણાવાડા તાલુકાના કાકચિયા ગામનાં પ્રકાશ મીઠાંભાઇ સોલંકી સાથે 20 વર્ષ અગાઉ થયા હતા. લગ્ન ગ્રંથીથી જોડાયેલા શિલ્પાબેન હાલ પતિ પ્રકાશ સાથે બોડેલી ખાતે આવેલ દિવાળીબા સોસાયટીમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેઓ વડોદરામાં અભ્યાસ કરે છે. શિલ્પાબેન જાંબુઘોડા તાલુકાની પનિયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા. ગત ગુરુવારના રોજ અગમ્ય કારણોસર શાળામાં રજા મૂકી હતી અને બોડેલી પોતાના ઘરે હતા. આ દરમિયાન પતિ પ્રકાશ સોલંકી નોકરી ગયા હતા. 


સાંજના સમયે નોકરી પરથી પ્રકાશ સોલંકી ઘરે આવ્યા હતા, ત્યારે તેઓએ ઘરમાં જઈને જોતા પત્ની શિલ્પાએ અંદરના રૂમમાં ગળે ફાંસો ખાધો હતો. તેમનો મૃતદેહ પંખા ઉપર લટકી રહ્યો હતો. તેઓએ બુમા બુમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સમગ્ર મામલે તેઓએ શિલ્પાબેનના પિયરમાં ફૉન કરી જાણ કરી હતી. જેથી તેઓએ કહ્યુ હતું કે, અમારા આવ્યા સિવાય આગળની કોઈ કાર્યવાહી હાથ ધરતાં નહિ. જેથી રાત્રે પિયર પક્ષના લોકો આવતા પ્રકાશ સોલંકીએ પોલીસ મથકે જાણ કરી હતી.


આ પણ વાંચો : Jamnagar : કોંગ્રેસી નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ, શરીર પર પેટ્રોલ છાંટતા હતા ત્યાં જ...


આ મામલે સાસરી પક્ષે શિલ્પાબેનનું મોત વારંવાર સાસરી પક્ષ તરફથી દહેજ તેમજ રોકડની માંગણી કરવી અને વારંવાર તકરાર કરી કાયમ માટે અસહ્ય માનસિક ત્રાસ હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, તેમની દીકરીને મરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ વાત મનમાં લાગી આવતા તેમે આપઘાત કર્યો હતો. તેથી પિયર પક્ષે પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોઈ, તેમજ દિયર વિરૂદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


તો બીજી તરફ, પતિએ સૌથી પહેલા આવીને પત્નીને જોઈ હતી. પરંતુ પિયર પક્ષની જીદના કારણે પતિએ તેઓ આવે નહી ત્યા સુધી મૃતદેહને ત્યાંથી ખસેડ્યો ન હતો, ન તો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. કલાકો સુધી શિલ્પાબેનનો મૃતદેહ લટકેલો રહ્યો. પિયર પક્ષના લોકો આવ્યા બાદ મૃતદેહની તપાસ કરાઈ હતી. શિલ્પાબેનના મૃતદેહનું પોસ્મોર્ટમ કરીને તેમના પિતાને મૃતદેહ સોંપવામા આવ્યો હતો. મહિલાના પરિવારના આરોપને લઇ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.