શિક્ષકનું હેવાનપણું : કડકડતી ઠંડીમાં 30 વિદ્યાર્થીઓ પર ઠંડુગાર પાણી રેડીને માર માર્યો
વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર મરાયો હતો. એટલું જ નહિ, આટલી કાતિલ ઠંડીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ પર સવારે ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું અને તેમને ફટકા મારવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ શિક્ષકનું ક્રુરપણુ બહાર આવ્યું છે.
જય પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર મરાયો હતો. એટલું જ નહિ, આટલી કાતિલ ઠંડીમાં 30થી વધુ વિદ્યાર્થીઓ પર સવારે ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું અને તેમને ફટકા મારવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ શિક્ષકનું ક્રુરપણુ બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરના હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા સોનવાડાની આ ઘટના છે. જ્યાં ધરમપુરના હનમતમાળ સહિતના ગામોના 36થી વધુ માસુમ બાળકોને માર મરાયો હતો. વાત એમ હતી કે, સોનવાડા આશ્રમશાળામાં અભ્યાસ કરતા 37 વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને ગત તા. 28 જાન્યુઆરીના રોજ રાત્રે 9.30 કલાકે આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્મ દેવજી ટંડેલે બહારથી તાળું મારી દીધું હતું. રાત્રિ દરમિયાન આંબા જલંગલનો ધોરણ-6માં ભણતા એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોવાથી રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. તેથી બાલકૃષ્ણ ટંડેલ નામના શિક્ષક ગિન્નાયા હતા, અને તેમણે પોતાનો ગુસ્સો 30 જેટલા માસુમ બાળકો પણ ઉતાર્યો હતો.
બીજા દિવસે સવારે શિક્ષક તથા આચાર્ય બંનેએ બાળકો પર રોષ ઠાલવ્યો હતો. બંનેએ 30 જેટલા વિદ્યાર્થીઓ પર ઠંડુ પાણી છાંટ્યું હતું અને તેમને ફટકા પણ માર્યા હતા. શિક્ષાના ભાગરૂપે તમામ વિદ્યાર્થીને મરઘા ચાલ ચલાવી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા જમીન ઉપર પટકાયા હતા. જેના કારણે બે દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા ન હતા.
આ ઘટનાથી વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેઓએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.