Shaping a New India : સરકારી શાળામાં થયો ઈનોવેશનનો ચમત્કાર, 14 વર્ષના તરુણે બનાવ્યો બ્લેડલેસ ફેન
- પોરબંદરના 14 વર્ષના સરકારી સ્કૂલમાં ભણતા તરૂણે ઇનોવેશન ક્ષેત્રે અનોખી સિધ્ધિ મેળવી
- તેના પાંખિયા વગરના પંખાને જિલ્લા કક્ષાએ ઈન્સ્પાયર એવોર્ડ મળ્યો, હવે સ્ટેટ લેવલે જશે
અજય શીલુ/પોરબંદર :પોરબંદરની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાંખીયા પંખો બનાવતા તેની આ કૃતિ ઈન્સ્પાયર એવોર્ડમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે અને હવે સ્ટેટ લેવલે આ વિદ્યાર્થી પોરબંદરનો જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ વિદ્યાર્થીએ દિવ્યાંગ લોકો માટે રોટી મેકર પણ બનાવ્યુ છે. ત્યારે ગુજરાતના બાળકો ઈનોવેશન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે તેવુ કહી શકાય.
પોરબંદરની એમ.કે ગાંધી સરકારી શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા ધૈર્ય વિમલ હિંડોચા નામના 14 વર્ષિય વિદ્યાર્થીએ સરકાર દ્વારા આયોજીત થતા ઇન્સ્પાયર એવોર્ડમાં ભાગ લીધો હતો. આ માટે ધૈર્યએ બેટરીથી ચાલતા બ્લેડલેસ ફેન એટલે કે, પાંખિયા વગરનો પંખો બનાવ્યો હતો. જે કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી અને આ માટે 10 હજાર જેટલુ રોકડ ઈનામ પણ મળ્યુ હતુ. આ બ્લેડલેસ ફેન સિવાય ધૈર્યએ દિવ્યાંગ લોકો માટે ઓટોમેટીક રોટી મેકર પણ બનાવ્યુ છે. જેના વડે હાથ વગરના દિવ્યાંગો રોટલી બનાવી શકે. આ બંન્ને ઈનોવેશન અંગે ધૈર્યએ જણાવ્યું કે, પાંખિયા વાળો પંખો હોય તો તેમાં નાના બાળકો હાથ નાખી દે છે, જેથી બાળકોને ઈંજા પહોંચી શકે છે. જેથી પાંખિયા વગરનો પંખો બનાવ્યો છે. જેમાં બ્લેડ અંદર હોય છે. આથી પંખો હવા તો ફેંકે છે, પરંતુ પાંખિયા નીચે હોય જેથી દેખાતા નથી. આનાથી બાળકને નુકશાન ન થાય. તેમજ આ પંખો સસ્તો પણ છે. જેથી તેને ગમે ત્યા લઈ જઈ શકાય છે.
ધૈર્ય દ્વારા બનાવવામાં આવેલ પાંખિયા વગરના પંખાના આ ઇનોવેશને જિલ્લા લેવલે 10 કૃતિમાંથી પ્રથમ આવતા આગામી સમયમાં ધૈર્ય સ્ટેટ લેવલે પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બાળકોને વિજ્ઞાન અને નવા સંશોધન પ્રત્યે પ્રેરણા મળે તે માટે સરકાર દ્વારા આ પ્રકારના ઈનોવેશવ પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે જે રીતે આ કિશોરને સિદ્ધી મળી છે તેને લઈને તેની શાળા અને પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને પરિવારજનોએ પણ કહ્યુ કે, ધૈર્ય વધુ આગળ વધે તે માટે તેઓને પુરતો પ્રયાસ કરીશું.
વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયુ જ્ઞાન આપવાને બદલે તેઓમાં સંશોધનવૃત્તિનો વિકાસ થાય તેઓ નવા પ્રોજેક્ટસ બનાવે તે માટે સરકાર દ્વારા હાલ અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે જે રીતે પોરબંદરના આ બાળકે પાંખિયા વગરનો પંખો તેમજ ઓટોમેટિક રોટી મેકર બનાવ્યા છે તે સરહાનીય બાબત છે. કારણ કે માત્ર 14 વર્ષની વયે આ રીતે તેણે પ્રતિભા દર્શાવતા આવા બાળકોને વધુ આ પ્રકારનું પ્લેટફોર્મ મળે તો તેઓ જરુરથી આ દિશામાં વધુ સફળતા મેળવી શકે છે.