સુરત : સરથાણમાં એક્ટીવા પર જઇ રહેલા પિતા પુત્રીને એક ટેમ્પોએ ઉડાવ્યા હતા. જેમાં બાળકી ટેમ્પો નીચે કચડાઇ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા ટેમ્પો ડ્રાઇવર સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સરથાણા યોગી ચોક વર્ધમાન સોસાયટીમાં રહેતા હરેશભાઇ ભૂવા એમ્બ્રોડરીનાં કારખાનામાં કામ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરેશભાઇ પોતાની 4 વર્ષની પુત્રી ફેનીને લઇને નજીકમાં આવેલી પ્રભુદર્શન સોસાયટી ખાતે જઇ રહ્યા હતા. જો કે તેઓ જેવા સોસાયટીનાં ગેટમાં પ્રવેશે તે પહેલા જ સોસાયટીની અંદરથી પુર ઝડપે બહાર આવી રહેલા દુધનાં ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી એક્ટિવા સામેની દિવાસ સાથે અથડાઇ હતી. જો કે ટેમ્પો ચાલકે અકસ્માત કર્યા છતા ટેમ્પો ભગાવવાનો પ્રયાસ કરતા માસુમ બાળકી ટેમ્પોનાં પાછળનાં ટાયર નીચે કચડાઇ ગઇ હતી. 

ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ફેનીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે સ્મીમેર હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં પણ આ બાબતે રોષ વ્યાપ્યો છે. ટેમ્પો સહિતનાં વાહન ચાલકો સોસાયટી હોવા છતા પણ ઝડપી વાહનો ચલાવતા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.