ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણવા હવે ધાબા પણ મળે છે ભાડે, ખાસ વાંચો
ઉત્તરાયણનો તહેવાર ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ત્યારે પતંગરસિયાઓ અત્યારથી જ તમામ તૈયારીમાં લાગી ગયા છે.
અતુલ તિવારી, અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ત્યારે પતંગરસિયાઓ અત્યારથી જ તમામ તૈયારીમાં લાગી ગયા છે. પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉજવવા માગતા હોય છે. એવામાં સૌ કોઈ એક જ ધાબામાં આ તહેવારની ઉજવણી કરી શકે તે મુશ્કેલ બને છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માંગતા હોય છે તેવા રસિકો માટે ખાડીયામાં રહેતા આશિષ મહેતા આ વર્ષે પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં પરંતુ મુંબઈમાંથી પણ ઇન્કવાયરીઓ આવી રહી છે.
ઉતરાયણની મજા માણવા પરિવારના તમામ સભ્યો એક સાથે ભેગા થઈ શકે તે માટે અનેક રસિકો મોટું ધાબુ શોધતા હોય છે. ઉત્તરાયણનો તહેવાર હેરિટેજ સીટી અમદાવાદમાં પતંગરસિકો મન મુકીને માણી શકે અને હેરિટેજ સીટી અંગેની માહિતી પણ મેળવી શકે તે માટે ખાડીયામાં રહેતા આશિષ મહેતાએ અમદાવાદની પોળોમાં ઊંચાઈ પર આવેલા મકાનના ધાબા રેન્ટ પર આપવાની શરૂઆત કરી છે. આ ધાબા રેન્ટ પર લેનાર પતંગરસિકોને તમામ પ્રકારની સુવિધા જે તે ધાબા પર જ પૂરી પાડવામાં આવશે. ધાબા રેન્ટ પર મેળવવા માટે પતંગરસિકો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી આશિષ મહેતા સુધી પહોંચી શકે છે.
ગ્રાહકોને મળનારી સુવિધા વિશે વાત કરતા આશિષ મહેતા જણાવે છે કે 12 વર્ષથી નીચેના બાળકોને રૂપિયા 400, 12થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે 1500 અને NRI વ્યક્તિ માટે 2250 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવશે. જેમાં પતંગરસિકોને ખાલી પહોંચવાનું રહેશે અને તેઓ સવારે 9 વાગેથી સાંજે 7 વાગ્યા સુધી તમામ સુવિધાઓ જે તે ધાબે જ મેળવશે. જેમાં પતંગ, ફીરકી, તેમજ જમવામાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરાશે.
અમદાવાદના હેરિટેજ સિટીમાં 14મી અને 15મીજાન્યુઆરીએ ઉત્તરાયણના સમયે એક ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. હેરિટેજ સિટીની પોળમાં એક દિવસ માટે તમામ સુવિધાઓ સાથે આ તહેવાર ઉજવવાનો અને પોળ વિશે જાણકારી મેળવવાનો બેવડો મોકો જ્યારે મળી રહ્યો હોય એવામાં પતંગ રસિયાઓમાં માટે આ ઉતરાયણ ખાસ બની રહેશે તે નક્કી છે.