અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો.જયેશ પટેલની સત્તાઓ ડીડીઓએ ખેંચી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જોકે લાપરવાહી તેમજ આરોગ્યના ફાયનાન્સ કર્મીને બચાવવા ઉપરાંત વહીવટી બેદરકારી દાખવવાના સંગીન આક્ષેપ સાથે DDOએ કાર્યવાહી કર્યાનું જણાવ્યું છે. તો સામે પક્ષે આરોગ્ય અધિકારીએ DDOનું આ પગલું બિલકુલ ગેરવ્યાજબી ગણાવીને DDOને તેમની સત્તા ખેંચવાનો કોઈ જ અધિકાર ન હોવાનું કહી નારાજગી દર્શાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો કિસ્સો ગુજરાતમાં પ્રથમ થયો હોવાથી હડકંપ મચી ગઈ
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને આરોગ્ય અધિકારી ડો,જયેશ પટેલનો ગજગ્રાહ ચરમ સીમાએ પહોંચ્યો છે. બંને અધિકારીઓ એકબીજાની સાથે કેટલાય સમયથી વાત કરતા નહોતા જોકે વાત કરવા માટે વચ્ચે મેસેન્જર રાખતા હતા તેવામાં ફરજ પ્રત્યે લાપરવાહી અને કર્મચારીને બચાવવાના સહિતના જુદા જુદા મુદ્દે ડીડીઓએ સીડીએચઓ જયેશ પટેલની સત્તાઓ તેમના તાબા હેઠળ કામ કરતા જયેશ સોલંકીને આપી દીધી છે. જેને લઈને આવો કિસ્સો ગુજરાતમાં પ્રથમ થયો હોવાથી હડકંપ મચી ગઈ છે.


બનાસકાંઠા DDO અને જિલ્લા આરોગ્ય અધિકારી સામસામે!
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ કહ્યું કે" સીડીએચઓએ મને જાણ કર્યા વગર ડિસ્ટ્રીકટ ફાઇનાન્સ ઓફિસરની ભ્રસ્ટાચારની કાર્યવાહીને ક્લીનચીટ આપી બારોબાર જવાબ કરી દીધો હતો. આવી ગંભીર બાબતે પણ તેમણે મને જણાવવાનું મુનાસીબ માન્યું ન હતું. તો એ વખતે તત્કાલીન ફાઇનાન્સ ઓફિસર સામે પોલીસ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે બાબતે પૂછતાં DDOએ કહ્યું કે " એવા પ્રકારનું ક્રાઈમ નહોતું કે ફરિયાદ દાખલ કરવામાં આવે. જોકે ડો જયેશ પટેલ કામ સિવાય મોડા સુધી ઓફીસમાં બેસતા હતા અને અનેક ગેરરીતિઓ આચરતા હતા, જેને લઈને આ કાર્યવાહી કરાઈ છે. 


તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડો,જયેશ પટેલે કહ્યું કે DDO મને મળવા માગતા નથી, હું જ્યારે તેમના નિર્ણયને લઈને મળવા ગયો ત્યારે તેઓએ પટાવાળા મારફતે મળવાની ના પાડી દીધી હતી. તો પણ મેં તેમને પૂછ્યું કે મારે હવે કામ શુ કરવાનું તો તેમણે કહ્યું કે અમે જે કહીએ એ કામ તમારે કરવાનું રહેશે, જોકે ચાર મહિના પછી હું નિવૃત્ત થવાનો છું, મારી પેન્શનની ફાઈલ મેં એમને આપી છે. જેની પર પણ તેઓ સહી કરતા નથી. જે કર્મચારી સામે કાર્યવાહીની બાબત છે જો તેમાં અમે રિપોર્ટ કર્યો હોત અને કર્મચારી કોર્ટમાં ગયો હોત તો મારે કોર્ટમાં શું જવાબ આપવા તે બાબતને લઈ મેં કોઈ કાર્યવાહી કરી નહોતી. જોકે DDOએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. હું ક્લાસવન અધિકારી છું. તેવો આવું કરી ન શકે. 


વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો
બનાસકાંઠા DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે બંને અધિકારીઓ પોતાનો પક્ષ રાખીને પોતે સાચા હોવાનું અને યોગ્ય કાર્યવાહી કરાઈનું કહી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા આરોગ્ય અધિકારીને પોતાની સત્તાઓ પાછી મળેશે કે કેમ?