મેડિકલના વિદ્યાર્થીઓને ફી મામલે મોટી રાહત, સરકારે કરી જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને આ વર્ષની ફી ભરવા બાબતે રાહત આપવામાં આવી છે. કોરોનાના સંકટ વચ્ચે આ વર્ષે મેડિકલના વિદ્યાર્થીઓ ચાર હપ્તામાં પોતાની ફી ભરી શકશે.
હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યની મેડીકલ તથા પેરા મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઇમાં ભરવાની થતી સત્ર ફી માં રાહત આપીને આ ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકે તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી કુલ-૫૧૫ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં એ.એન.એમ., જી.એન.એમ. તથા બી.એસ.સી. નર્સિંગ, ફિઝીયોથેરાપીના કુલ-૨૨૮૪૪ વિદ્યાર્થીઓને તથા મેડીકલ-ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથીક કોલેજના કુલ-૧૨૩૦૭ વિદ્યાર્થીઓ મળી રાજ્યના કુલ-૩૫૧૫૧ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.
હવે ચાર હપ્તામાં ભરી શકાશે ફી
રાજ્ય સરકારના નિર્ણય બાદ મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથી કોલેજ, નર્સિંગ કોલેજ, પેરામેડિકલ કોલેજ તથા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ પોતાની ફી આ વર્ષે ચાર હપ્તામાં ભરી શકશે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મેડિકલ અને ડેન્ટલ કોલેજના આશરે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થવાનો છે. વિદ્યાર્થીઓએ 25 ટકા રકમ સપ્ટેમ્બર મહિનામાં ભરવાની થશે. ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં 25-25 ટકા ફી ભરવાની રહેશે.
ખેડૂતો માટે સારા સમાચાર, ઉદ્યોગોની જેમ ખેતી માટે નવી પોલિસી લાવશે સરકાર
આ નિર્ણયનો લાભ રાજ્યની ૬ સરકારી મેડીકલ કોલેજ, ૮ જી.એમ.ઇ.આર.એસ. કોલેજ, ૩ મહાનગરપાલિકા સંચાલિત કોલેજો, ૧૧ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો મળી કુલ-૨૮ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં ૫૩૬૦ વિદ્યાર્થીઓ તથા ડેન્ટલ કોલેજ પૈકીની ૨ સરકારી કોલેજ અને ૧ જી.એમ.ઇ.આર.એસ. સોસાયટી અને ૧ મહાનગરપાલિકા સંચાલિત તથા ૯ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતા કુલ-૧૨૫૫ વિદ્યાર્થીઓને મળશે. રાજ્યની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ રાહત મળશે જેમાં ૬ સરકારી અને ૨૩ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક કોલેજ મળી કુલ-૨૯ કોલેજોમાં અભ્યાસ કરતા ૨૦૮૨ વિદ્યાર્થીઓ અને સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતાં ૩૬૧૦ વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે.
એમ.બી.બી.એસ., ડેન્ટલ, સરકારી આયુર્વેદિક કોલેજ, હોમીયોપેથીક કોલેજ, નર્સિંગ કોલેજ, ફીઝીયોથેરાપી કોલેજ તથા અન્ય પેરા મેડીકલ કોર્ષ ચલાવતી કોલેજો જેવી કે સરકારી કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સોસાયટી સંચાલિત કોલેજો, મહાનગરપાલિકા સંચાલિત કોલેજો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોના મહામારીના અસામાન્ય સંજોગો ધ્યાનમાં લઇ ખાસ કિસ્સા તરીકે જુલાઇના સત્રથી ભરવાની થતી ફી માં જે રાહત આપવામાં આવી છે તદઅનુસાર સમગ્ર ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકશે. સમગ્ર ફી ના ૨૫ % દરેક હપ્તામાં ભરવાના રહેશે, ફી નો પ્રથમ ૨૫ % હપ્તો સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં, બીજો હપ્તો ઓક્ટોબર મહિનાની ૩૧ તારીખ સુધીમાં, ત્રીજો હપ્તો નવેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખ સુધીમાં ભરી દેવાનો રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube