ગાંધીનગરઃ સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના સૌ નાગરિકોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે  મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યો છે. એટલુ જ નહિ રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા અને એ તરફ જતા રોકવા માટે પણ રાજકીય દ્રઢ ઇચ્છા શક્તિ સાથે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવ હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ હેઠળ મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવ્યાપી શરુ કરેલ PM ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પણ ગુજરાતમાં સત્વરે કામગીરી હાથ ધરી આ ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. 


આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં આવી ગઈ ત્રીજી લહેર! છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મોટો વઘારો, જાણો વિગત


પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે ‘શ્રમ, કૌશલ્ય અને રોજગાર’ વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. 


મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘‘નિરામય ગુજરાત યોજના’’ જાહેર કરવામાં આવી છે.  


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી  આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે. 


તેમણે ઉમેર્યુ હતું કે આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.


આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી


મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્તાની તપાસ-ચકાસણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં રૂા.૪૫ લાખના ખર્ચે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવી છે. જેનાથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવી શકીએ. 


મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આગામી તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજવામાં આવશે. આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.૫૦૦ કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં ૨૩,૮૩૫ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ ૯,૫૦૩ જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. ૧૮ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં  મહેમદાવાદથી કરવામાં આવશે. 


પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લાભપાંચમથી ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવીન કૃષિ કાયદો અમલી બનાવ્યો જેના પરિણામે બજારમાં મગફળીની કિંમત વધુ સારી મળતાં ઓછા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેના પરિણામે ખેડૂતોને ફાયદો થયો છે. હાલમાં  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૫૦૦ ના ભાવે કરવામાં આવે છે. જેની સામે બજારમાં પ્રતિ ક્વિન્ટલ ખરીદી રૂ. ૬૦૦૦-૬૫૦૦ના ભાવે થઇ રહી છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૩૨૨૪ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે રૂ ૧૮૦ કરોડની રકમ ખેડૂતોને ચૂકવી દેવાઈ છે. આ રકમ PFMS દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવી છે. મગફળીની ખરીદી બાદ તેના સંગ્રહ માટે પણ વેરહાઉસિંગ અને નાફેડ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. 


આ પણ વાંચોઃ દ્વારકા ડ્રગ્સ કેસ : મુંબઈના કારા ભાઈઓએ મંગાવ્યુ હતુ ડ્રગ્સ, બીજા 47 પેકેટ ડ્રગ્સથી આંકડો વધી શકે છે 


તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકો માટે અમલી સરકારી યોજનાના લાભો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્ર્મો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ૫૬ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં હવે કૃષિ પેદાશનું પ્રદર્શન અને મફત લીગલ એઈડ સર્વિસ સહિત અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજ સુધીમાં ૧૦,૮૧,૪૦૬ અરજીઓ આવી હતી એમાં ૧૦,૮૧,૨૯૫નો નિકાલ કરી ૯૯.૯૮ ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે. 


તેમણે ઉમેર્યુ કે મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિબંધિત ન હોય એવી સરકારી  પડતર જમીન લાભાર્થીઓને અગ્રતાક્રમ અનુસાર પ્રમાણસર સોંપણી  માટે વહેંચણી કરાય છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ૨૮૫ લાભાર્થીઓને એકસાથે ૯૮૪ એકર  જમીન સોંપણી મહેસૂલ મંત્રીશ્રીના હસ્તે ભૂજના ડુંમરા ખાતેથી કરવામાં આવશે.     


મંત્રી વાઘાણીએ કહ્યુ કે ધો. ૧થી ૫ના વર્ગો એક સાથે શરૂ કરવા માટે  તજજ્ઞોની કમિટિની રચના કરવામાં આવી છે. જેના મંતવ્યો મેળવીને તેમના સૂચનો સંદર્ભે અભ્યાસ કરી યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube