રાજ્યના યુવાનોનો રોજગારી મળે તે સરકારની પ્રાથમિકતા છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડમાં સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ તરીકે નવનિયુકત થયેલા ૧૩૦૦ જેટલા યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ સંપન્ન.
ગાંધીનગરઃ રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રી રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો એનાયત તથા શ્રમયોગીઓ માટે ઇલેકટ્રીક દ્વિચક્રી વાહન ખરીદીની ગો-ગ્રીન યોજનાના લોંચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત-વિઝનરી નેતૃત્વ અને આયોજનમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. રોજગાર હોય કે શ્રમિકોની સલામતિ-સુવિધા ગુજરાતે આત્મનિર્ભર ભારતના માર્ગે ‘આત્મનિર્ભર ગુજરાત’ બનવાનો નિર્ધાર કર્યો છે.
આ પણ વાંચોઃ ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડ
આ માટે નાગરિકોને-પ્રજાજનોને સરળતાએ સુવિધા ઘર આંગણે મળી રહે ખાસ કરીને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને સરકારની મળવાપાત્ર યોજનાના લાભ મળી રહે તેવી સુચારૂં વ્યવસ્થાઓ સરકાર ઊભી કરવા કટિબદ્ધ છે. નાગરિકો પણ પોતાને મળવાની થતી યોજનાઓનો લાભ લેવાની જાગરૂકતા દાખવે એવો અનુરોધ તેમણે કર્યો હતો.
મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોંચીંગ કરતાં કહ્યું કે, જ્યારે કલાયમેટ ચેન્જ વિષય વિશે લોકો ઓછું જાણતા હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.
આપણે પણ એ જ પગલે ચાલીને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના પાંચ જેટલા શ્રમિકોને ઇ-વ્હીકલ ખરીદી માટેની સબસિડીના ચેક પણ અર્પણ કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, કોરોનાએ આપણને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે અને લોકો વધુને વધુ વૃક્ષો પોતાના વિસ્તારોમાં, ઘરના આંગણમાં વાવતા થયા છે. હવે, આ ઇલેકટ્રીક વ્હીકલના ઉપયોગથી પણ કાર્બન ઉત્સર્જન અટકાવી પર્યાવરણ રક્ષા પણ કરી શકાશે.
શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ નવનિયુકત સુપરવાઇઝર્સ અને ઇન્સ્ટ્રક્ટરને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, દેશના નરેન્દ્રભાઈ મોદીએ 'શ્રમ એવ જયતે'ના સૂત્રને સાકાર કરવા માટે યુવાનોને આધુનિક સમય મુજબની તાલીમ તેમજ સમયની માગ અનુસાર કૌશલ્યબધ્ધ તાલીમ મળી રહે એ માટે રાજયમા કાર્યરત આઈ.ટી.આઈને પ્રોત્સાહિત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે તે સૌને નવી દિશા ચીંધશે.
આ પણ વાંચોઃ 45 રૂપિયાનું પેટ્રોલ આપણને 103 માં કેવી રીતે પડે છે, ગણતરી જોઈને મગજ ચકરાવે ચઢી જશે
મંત્રી મેરજાએ ઉમેર્યુ કે, રાજયની પ્રગતિના ચાર માપદંડ શાંતિ, સલામતી, સ્થિરતા અને સુશાસન છે. ગુજરાતમા છેલ્લા ૨૭ વર્ષથી શાંતિ અને સુશાસનના પરિણામે આજે વિશ્વ કક્ષાના ઉદ્યોગ ગૃહોની ગુજરાતમાં સ્થાપના થકી વ્યાપક રોજગારીનુ નિર્માણ થયું છે જેના પરિણામે સૌથી વધુ રોજગારી પુરી પાડી ગુજરાત આજે રોલ મૉડલ પુરવાર થઈ રહ્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, આગામી સમયમા આધુનિક તાલીમબધ્ધ અને કૌશલ્યબધ્ધ યુવાનોની ઉદ્યોગગૃહોની માંગ અનુસાર માનવબળ પૂરૂ પાડવા માટે રાજયમા કાર્યરત આઈ.ટી.આઈમાં ચાલી રહેલા અભ્યાસક્રમોનુ અપગ્રેડેશન કરવાની પણ રાજ્ય સરકારની નેમ છે.
શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ ઉપસ્થિત મહેમાનો અને આઈ.ટી.આઈમાં પસંદગી પામેલા સુપરવાઇઝર - ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ તથા લાભાર્થીઓનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી ગો ગ્રીન યોજનાની વિસ્તૃત વિગતો આપી હતી.
રાજ્યને ગ્રીન - પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા "ગો-ગ્રીન યોજના" લોન્ચ કરવામાં આવી છે તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.
સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા રૂ.૩૦ હજારની મર્યાદામાં સબસીડી ચૂકવવામાં આવશે. જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૩૦ હજારની મર્યાદામાં સબસીડી આપવાની જોગવાઈ ગો-ગ્રીન યોજનામાં કરવામાં આવી છે.
આ ઉપરાંત આ યોજના હેઠળ વાહનના આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્ષ તથા રોડ ટેક્સ ઉપર વન-ટાઇમ સબસીડી પણ આપવામાં આવશે. ગો-ગ્રીન યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મોબાઇલ એપ્લિકેશન અને અત્યાધુનિક પોર્ટલ www.gogreenglwb.gujarat.gov.in પણ શરૂ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube