કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાશે લોકસભાની જવાબદારી, સારા પરિણામ માટે ઘડવામાં આવી રણનીતી
અમદાવાદના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય રાજીવગાંધી ભવન ખાતે દેશના 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે સાથે કોંગ્રેસના ત્રણ નેતાઓના જન્મ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.
ગૌરવ પટેલ/ અમદાવાદ: તરફ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને રાજ્યની 26 અલગ અલગ લોકસભાની જવાબદારી સોપવામાં આવશે. મંગળવારના રોજ યોજાયેલી ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વર્ષ 2019ની લોકસભામાં સારા પરિણામ માટેની રણનીતી ઘડવામાં આવી હતી.
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે બેઠકમાં રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકનું એનાલીસીસ કરવામાં આવ્યું અને તેની જવાબદારી સિનિયર આગેવાનોને આપવામાં આવશે. આ સાથે જ બેઠકમાં કોંગ્રેસના સિનિયર આગેવાનો અને કાર્યકરો જન સંપર્ક અભિયાન થકી મતદારોને મળી કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોચાડશે.
તો આ તરફ અમદાવાદના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય રાજીવગાંધી ભવન ખાતે દેશના 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે સાથે કોંગ્રેસના ત્રણ નેતાઓના જન્મ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના ઉપ પ્રમુખ અશોક પંજાબી અને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી જિતેન્દ્ર બાગેલના જન્મ દિવસની ઉજવણી થઇ ત્રણેય નેતાઓએ કેક કાપી એક બીજાનુ મોં મીઠું કરાવ્યું હતું.
સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષના નેતા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા વચ્ચે ગ્રજગાહ હોય છે પરંતુ જે રીતે કાંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા એક બીજાને કેક ખવડાની રહ્યા હતા તે દર્શવાવા માંગતા હતા કે કોઇ વિખવાદ નથી.