આણંદ : કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, આજે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત ઉભરી રહયું છે. જેમાં અમૂલનો ફાળો બહુમૂલ્ય રહયો છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રે થયેલા સિમાચિન્હ રૂપ કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, આપણા ડી.એન.એ. માં જ સહકાર વણાયેલું છે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ સારૂં કાર્ય થઈ રહયું છે. સહકારના ક્ષેત્રને વધુ આગળ ધપાવવાં કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રયાસો હાથ ધરી સહકારીતા વિભાગની રચના કરવામાં આવી છે. ભારતમાં સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ કાર્યોના પરિણામે આગામી દિવસોમાં સહકાર વિભાગ એ દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ પશુપાલકો અને ડેરી ઉદ્યોગ માટેની ભારત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો ઉલ્લેખ કરી સમયની સાથે આવતા બદલાવોને સ્વીકારી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ડેરીઓને સહાય કરવાની એન.સી.ડી.સી.ના નવા પ્રકલ્પ રૂપ રૂપિયા પાંચ હજાર કરોડની ‘‘ડેરી સહકાર યોજના’’ની જાહેરાત કરી હતી.


પ્રારંભમાં અમૂલના ચેરમેન  રામસિંહ પરમારે સૌનો આવકાર કરતા જણાવ્યું કે એક દૂધ મંડળી અને ૨૫૦ લીટર દૂધથી શરૂ થયેલ અમૂલ આજે ૧૨૦૦ મંડળીઓ સાથે દૈનિક ૩૩ લાખ લીટર દૂધ એકત્રીકરણ સાથે વાર્ષિક રૂ. દસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે.રાજ્યના ૧૮ દૂધ સંઘોનું ટર્નઓવર રૂ.૫૩ હજાર કરોડ પર પહોંચ્યું છે.દેશના છ રાજ્યોમાં અમૂલના પ્લાન્ટ કાર્યરત છે.અમૂલ ચોકલેટ,ચીઝ આજે વિશ્વ બજારમાં વેચાય છે.


કોરોના કાળમાં પણ અમૂલ એક પણ દિવસ બંધ રહી નહોતી.અમૂલ એ સભાસદોની છે.ખેડૂતોની આવક બમણી કરવામાં અને આત્મ નિર્ભર ભારત નિર્માણમાં સહકારી ક્ષેત્રનું બહુમૂલ્ય યોગદાન રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં અમૂલના એમ.ડી.  અમિત વ્યાસે આભારવિધિ કરી હતી. આ અવસરે કેન્દ્રિય મંત્ર  બી.એલ. વર્મા, દેવુસિંહ ચૌહાણ, રાજ્યના કૃષિ મંત્રી  રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી  અર્જુનસિંહ ચૌહાણ, સહકાર રાજ્ય મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્‍યક્ષ  જેઠા ભરવાડ, સાંસદ  મિતેશ પટેલ, રતનસિંહ રાઠોડ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના અધિકારીઓ, વિવિધ દૂધ સંઘોના ચેરમેન, નિયામક મંડળના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ સહિત સભાસદો હાજર રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube