રાજકોટ : કૌટુંબિક ઝઘડામાં મહાભારતનું યુદ્ધ થઈ ગયુ. એક જ પરિવારના સભ્યો એકબીજાના દુશ્મન બની ગયા. તો કળિયુગમાં પણ આવું ન થાય તે કેવી રીતે માની શકાય. રાજકોટના ઉપલેટમાં એવી ઘટના પ્રકાશમાં આવી જેના કારણે સગો બાપ જ 9 વર્ષની દીકરીની હત્યા કેસમાં જેલમાં ધકેલાઈ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ઉપલેટાની સર્વોદય સોસાયટીનો એક પરિવાર સ્ત્રીહઠના કારણે વેરવિખેર થઈ ગયો. બે ભાઈઓના પરિવારમાં પત્ની અને 2-2 સંતાનો હતા પણ કોઈએ વિચાર્યુ નહીં હોય કે આ પરિવાર એક ઝાટકે વિખેરાઈ જશે. તે પણ નાનાભાઈની પત્નીની નફરતના કારણે. મોટાભાઈની નાની દીકરી અચાનક લોહી લુહાણ હાલતમાં દેખાઈ ઉપરથી પટકાઈ હોવાનું કાકીએ કારણ આપ્યું અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતાં મૃત જાહેર કરાઈ. પરિવારે પણ સ્મશાને જઈ અંતિમવિધિ કરી અને લાડલીને વિદાય આપી. પણ વાત અહીંથી અટકી નહીં પછી જે સામે આવ્યું તે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નહોતુ. 


ઉપલેટા સર્વોદય સોસાયટીમાં રહેતા બાવાજી નિમાવત પરિવાર રહે છે. પરિવારમાં ચેતનભાઈ નિમાવત તેના પત્ની કિરણબેન અને તેની બે દીકરી એક 14 વર્ષની કાવ્યા અને બીજી 9 વર્ષની દીકરી આયુષી સાથે રહે છે. તેની સાથે તેના દિયર મયુરભાઈ અને તેની પત્ની વંદના અને તેના બે દીકરા 13 વર્ષનો માનવ અને 8 વર્ષનો મંત્ર સાથે રહેતા હતા. ચેતનભાઈ અને મયુરભાઈ બંને સાથે શહેરમાં અશોક સાબુ નામની શોપ ચલાવે છે અને ગુજરાન ચલાવે છે.  8 જૂને બપોરના સમયે કાકી વંદનાએ રૂમનો દરવાજો ખખડાવી બૂમો પાડી તેની જેઠાણીએ બહાર આવીને જોયું તો તેની દીકરી આયુષી લોહીલુહાણ હાલતમાં હતી અને તાત્કાલિક દવાખાને લઈ ગયા ત્યારે તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બંને ભાઈઓ પણ હોસ્પિટલ આવ્યા અને પોસ્ટમોર્ટમ કરાવવાની જગ્યાએ બાળકીને ઘરે લાવી સ્મશાને લઈ જઈ અંતિમ વિધિ કરી નાખી હતી. 


આયુષીના મૃત્યુ પછી તેની માતા ધાબા પર કોઈ કામથી ગઈ જ્યાં તેણે લોહીના ધાબા, લોહીવાળો બ્લેકન્કેટ ટુવાલ જોયા અને પોતાની પુત્રીના મૃત્યુને લઈ શંકા જતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈ સમગ્ર હકીકત જણાવી. પોલીસે તપાસ શરૂ કરી જેમાં FSL અને પોલીસ તપાસમાં બાળકીને માથામાં દસ્તા જેવી વસ્તુ મારીને હત્યા કર્યાં હોવાનું સામે આવ્યું. પોલીસે આ દિશામાં તપાસ કરી સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે બાળકીની હત્યા તેની સગી કાકીએ જ કરી હતી અને નવાઈની વાત તો એ હતી કે આ હત્યાને છૂપાવવા માટે બાળકીનો સગો બાપ અને કાકો પણ જવાબદાર નીકળ્યા, પોલીસે તાત્કાલિક ત્રણેયની ધરપકડ કરી ઘટનાનનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. 


જેમાં જેઠાણી કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. સાથે સાથે જ આયુષી અને ભત્રીજો મંત્ર પણ ઝઘડતા હતા. બાકી હોય તો વંદનાનો મોબાઈલ તેની જેઠાણી કિરણ પણ વાપરતી હતી આ તમામ બાબતનો ખાર રાખી વંદનાએ આયુષીને ધાબા પર લઈ જઈ માથામાં દસ્તો મારી કાસળ કાઢી નાખ્યું. તેમાં બાળકીના સગા બાપે પણ સમાજમાં ઈજ્જત ના જાય તે માટે નાના ભાઈની પત્નીનું પાપ છૂપાવ્યું અને પોતાની દીકરીને ન્યાય ન આપ્યો. તેથી તેને પણ પોલીસે પકડી જેલના હવાલે કરી દીધો છે. હાલ તો આ સમગ્ર કેસમાં કાકીની નફરતે ના માત્ર 9 વર્ષની માસૂમનો જીવ લઈ લીધો પણ એક હસતા રમતા પરિવારને પણ વિખેરી નાખ્યો છે. બાકી હોય તો સગો બાપ પણ આ માસૂમના મોત માટે જવાબદાર નીકળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube