રઘુવીર મકવાણા, બોટાદઃ બોટાદને જિલ્લાનો દરજ્જો મળ્યાને એક દાયકાથી વધુનો સમય વિતી ગયો છે, છતા જિલ્લામાં હજુ એક પણ સરકારી બ્લડ બેન્ક શરૂ નથી કરાઈ. બ્લડ બેન્ક માટે ખરીદવામાં આવેલી મશીનરી ધૂળ ખાય છે, પણ બ્લડ બેન્ક માટે જગ્યાની ફાળવણી નથી કરાઈ. લોકોને સમજાતું નથી કે તંત્ર કયા મુહૂર્તની રાહ જોઈને બેઠું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો બોટાદની સિવિલ હોસ્પિટલના છે. આ બોક્સમાં તમે જે મશીનરી જોઈ રહ્યા છો, તેને ઘણા સમય પહેલાં બ્લડ બેન્ક માટે ખરીદવામાં આવી હતી. મશીનરી તો આવી ગઈ, પણ બ્લડ બેન્ક હજુ સુધી શરૂ નથી થઈ શકી. જેના પરિણામે મશીનરી ધૂળ ખાઈ રહી છે.


સપ્ટેમ્બર 2012માં બોટાદ અલગ જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. જો કે 10 વર્ષ બાદ પણ અહીં જિલ્લા કક્ષાની પૂરતી આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. શહેરની સરકારી સોનાવાલા જનરલ હોસ્પિટલને સરકારે સિવિલનો દરજ્જો તો આપી દીધો, પણ સિવિલમાં જરૂરી સુવિધાઓનો હજુ પણ અભાવ છે..


નવાઈની વાત એ છે કે બોટાદ જિલ્લામાં એક પણ સરકારી બ્લડ બેન્ક નથી. સરકારે બ્લડ બેન્કને મંજૂરી આપતા જરૂરી સાધનો અને મશીનરી ખરીદી લેવાઈ. જો કે છેલ્લા ઘણા મહિનાથી આ મશીનરી પેકિંગમાં જ ધૂળ ખાઈ રહી છે. તેની પાછળનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. બ્લડ બેન્ક માટે ન તો સિવિલમાં જગ્યાની ફાળવણી કરાઈ છે કે ન તો જગ્યા માટે બજેટની. તેમ છતા કરોડો રૂપિયાના ખર્ચે સીધા સાધનો વસાવી લેવાયા, જે અત્યારે સિવિલના એક રૂમમાં ભંગાર બનવા માટે ખડકી દેવાયા છે.


આ પણ વાંચોઃ ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી


બોટાદની સિવિલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. ઈમરજન્સીમાં બ્લડની જરૂર પડે, ત્યારે દર્દીના સગાઓએ લોહી મેળવવા માટે ભટકવું પડે છે. ક્યારેક એવું પણ બને છે કે સમયસર લોહી ન મળવાને કારણે દર્દી મોતને ભેટે છે. તેમ છતા સ્વજનને ગુમાવવાની વેદનાને સત્તાધીશો સમજી શકતા નથી. સિવિલના RMOનું માનીએ તો ખાનગી બ્લડ બેન્કમાંથી દર્દીઓ માટે વિનામૂલ્યે બ્લડની સુવિધા કરી દેવાય છે.


નોંધપાત્ર વાત એ છે કે 10 વર્ષ બાદ પણ બોટાદમાં હજુ સુધી મેડિકલ કોલેજ પણ શરૂ નથી થઈ શકી. સરકારે મંજૂરી આપી દીધી છે, જો કે કોલેજ ક્યારે શરૂ થશે તે મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે શું બ્લડ બેન્કની જેમ મેડિકલ કોલેજને પણ જગ્યાનો અભાવ નડી રહ્યો છે કે શું. ગુજરાત જેવા રાજ્ય માટે આ સ્થિતિ શરમજનક છે. એક જિલ્લામાં સરકારી બ્લડ બેન્ક અને મેડિકલ કોલેજ ન હોય તેમ છતા સત્તાધીશો રાજ્યને મોડેલ સ્ટેટમાં ખપાવે છે. હવે જોવું એ રહેશે કે સરકાર ક્યારે હરકતમાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube