ગુજરાત :લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ રાજકીયો પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. કયો પક્ષ જીતશે, અને કેટલી સીટ મેળવશ તે વાત તો કોરાણે રહી, પણ હાલ તો કોને ટીકિટ મળશે અને કોનુ પત્તુ કપાશે તે ચર્ચાનો મુદ્દો છે. આ મુદ્દો હવે જનતામાં પણ ચર્ચાઈ રહ્યો છે કે તેમના મત વિસ્તારના ગત વખતે ચૂંટણી જીતેલા સાંસદ ફરી રિપીટ થશે કે પછી તેમન પક્ષ પડતુ મૂકશે. ત્યારે હાલ ભાજપની વાત કરીએ તો 2019ના આ ઈલેક્શનમાં અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનું નામ ટોચ પર હોવાનું કહેવાય છે. 75 વર્ષની એજ લિમીટના ભાજપના ફેક્ટરની વાત કરીએ તો સૌથી પહેલા એલ.એ.અડવાણી જ લિસ્ટમાં આવે છે. ત્યારે આ સિવાય ભાજપમાં કેટલાક મહિલા સાંસદોની ટિકીટ પણ કપાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ આ લોકસભા ઈલેક્શનમાં નવા યુવા ચહેરાઓને સ્થાન આપે, તેવી શક્યતા જોતા પણ કેટલાક સાંસદોનું પત્તુ કપાઈ શકે છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડ દિલ્હીથી નિર્ણય આવે તે પહેલા જ પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. 


લાલકૃષ્ણ અડવાણી
લાલકૃષ્ણ અડવાણી સતત 7 વાર સાંસદ રહી ચૂક્યા છે. ત્યારે તેમની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે તેમને ચૂંટણી નહિ લડાવે તેવા સંકેત છે. ત્યારે ગાંધીનગરની તેમની સીટ પર ભાજપ અન્ય નેતાને ટિકીટ આપી શકે છે.


પરેશ રાવલ
ટિકીટ કપાવાના લિસ્ટમાં બીજા સ્થાન પર પરેશ રાવલ છે. ગત લોકસભા ઈલેક્શનમાં અમદાવાદ પૂર્વની સીટ પરથી ચૂંટાયા બાદ પરેશ રાવલ પોતાના મત વિસ્તારમાં ભાગ્યે જ દેખાયા છે. જેની સીધી અસર ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ હતી. ત્યારે આ નેતાને પણ ટિકીટ નહિ ફાળવાય તેવા અણસાર છે.


વિઠ્ઠલ રાદડીયા
વિઠ્ઠલ રાદડીયા પોરબંદરમાં વર્ચસ્વ ધરાવે છે. પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ લાંબા સમયથી જાહેરમાં જોવા મળ્યા નથી. ત્યારે ભાજપ રાદડીયા પરિવારના અન્ય સદસ્યને ટિકીટ ફાળવે તેવી શક્યતા છે.


લીલાધર વાઘેલા
ગુજરાતમાં સૌથી વધુ સમય ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા અને 80 વટાવી ચૂકેલા પાટણના સાંસદ લીલાધર વાઘેલાને પણ ભાજપ ટિકીટ નહિ ફાળવે તેવું લાગે છે.


જયશ્રીબેન પટેલ
બે ટર્મ પછી આ સાસંદને ભાજપ આ વખતે રિપીટ નહિ કરે તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને જયશ્રીબેન ભાજપમાં આવ્યા હતા. ત્યારે હાલ ભાજપ પાસે આ સીટ માટે ડો.આશાબેન પટેલનો પણ ઓપ્શન છે. 


રંજનબેન ભટ્ટ
વડોદરાની આ લોકસભા સીટ પર પણ રંજનબેન ભટ્ટને રિપીટ નહિ કરે તેવું સૂત્રોનું કહેવું છે. નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ ખાલી પડેલી આ બેઠક પર રંજનબેન ભટ્ટને સ્થાન મળ્યું હતું. જોકે, હાલ આ સીટ પર કોઈ યુવા ચહેરાને ઉતારવાની ભાજપની તૈયારી ચાલી રહી છે.


કે.સી.પટેલ
દિલ્હીમાં હનીટ્રેપ વિવાદમાં ફસાયા બાદ કે.સી.પટેલની રાજકીય છબી ઘણી ખરડાઈ હતી. આ વિવાદ બાદ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા હતા. ત્યારે ભાજપ આ વખતે તેમને પણ રિપીટ કરે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી.


આ નેતાઓની રિપીટ થવાની શક્યતા નથી
ઉપરના નેતાઓ ઉપરાંત બનાસકાંઠાના હરીભાઈ ચૌધરી, સુરેન્દ્ર નગરના દેવજી ફતેપરા, અમરેલીના નારાયણ કાછડીયા, પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ, ભરૂચના મનસુખ વસાવા, સુરતના દર્શના જરદૌશ પર પણ લટકતી તલવાર છે. આ સાંસદોના પણ ટિકીટ કપાવાની વાતો રાજકીય કાનોમાં અથડાઈ રહી છે.