ગુજરાતની આ દિકરીએ મધ્યરાત્રિએ સર કર્યા 20 હજાર ફૂટ માઉન્ટ યુનમ શિખર
નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામે રહેતી ડૉ. રઝિના કાઝી ફિઝિયોથેરાપીસ્ટ છે. સાથે જ રઝિનાને પર્વતારોહણનો પણ શોખ છે. વર્ષ 2018 થી ડૉ. રઝિના હિમાલયના માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે
ઝી બ્યુરો, નવસારી: હિમાલયના ઉંચા શિખરો સર કરવા માનવી માટે કપરા છે. પરંતુ મક્કમ મનોબળ સાથે તૈયાર કરવામાં આવે તો ઉત્તુંગ શિખરો પણ ચઢી શકાય છે. ત્યારે નવસારીના નાનકડા સોનવાડી ગામની દિકરીએ હિમાલયના માઇનસ 12 ડીગ્રી તાપમાનમાં મધ્યરાત્રીએ કપરા ચઢાણ ચઢી, હિમાલયના 20,300 ફૂટ ઉંચા બર્ફીલા માઉન્ટ યુનમને સર કરવાની સિદ્ધિ પોતાને નામ કરી છે. જેને આજે સોનવાડીના ગ્રામજનોએ વધાવી દિકરી રઝિનાને સન્માનિત કરી હતી.
નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામે રહેતી ડૉ. રઝિના કાઝી ફિઝિયોથેરાપીસ્ટ છે. સાથે જ રઝિનાને પર્વતારોહણનો પણ શોખ છે. વર્ષ 2018 થી ડૉ. રઝિના હિમાલયના માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે અને જેમાં બે વર્ષ પૂર્વે 16,600 ફૂટે આવેલ માઉન્ટ જગતસુખને સર કરવા નીકળેલી ડૉ. રઝિનાને 100 મીટર બાકી હતું. ત્યારે બીમાર પડવાને કારણે મિશન અધુરૂ છોડવુ પડ્યું હતું.
આ પણ વાંચો:- સોશિયલ મીડિયા યુઝ કરતી છોકરીઓ આ કિસ્સો જરૂરથી વાંચો, તમારી એક ભૂલ અને...
પરંતુ સાહસી રઝિના હારી નહીં અને એનાથી વધુ ઉંચે આવેલ ટ્રાન્સ હિમાલયનના લદ્દાખ નજીકના બર્ફીલા માઉન્ટ યુનમ ચઢવાનુ મન બનાવી ચુકી હતી. રઝિના સતત પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા અભ્યાસરત રહી, છેલ્લા 2 મહિનામાં રોજના ઓછામાં ઓછી 5 કિમી દોડ તેમજ જરૂરી કસરત કરી પર્વતારોહણ માટે પોતાને તૈયાર કરી હતી. ત્યારબાદ માઉન્ટ યુનમ સર કરવા પરીક્ષા આપી, એમાંથી પસાર થયા બાદ 20,300 ફૂટ ઉંચા માઉન્ટ યુનમ ચઢવાનો પ્રારંભ કર્યો હતો.
આ પણ વાંચો:- પરિવારમાં નાની નાની બાબતોનું રાખો ધ્યાન, ક્યારેય કોઈનો માળો ના વિખાઈ જાય
મધ્યરાત્રીએ 12:30 વાગ્યે અન્ય 14 સાથીઓ સાથે પર્વતારોહણ શરૂ કર્યું હતું અને સવારે 8:30 વાગ્યે પહોંચ્યા હતા. શિખર સર કરવા પૂર્વે ઓક્સિજનની ઘટતા ઉલ્ટી શરૂ થઈ હતી. જેના કારણે માઉન્ટ યુનમની ટોચે પહોંચવુ પણ મુશ્કેલ જણાયું, પણ ડૉ. રઝિના હારી નહીં અને હિંમત અને મક્કમ મનોબળ સાથે આગળ વધી અને ભારતનો તિરંગો લહેરાવી ભારત માતાના જયકારા લગાવી પોતાની સિદ્ધિને વધાવી હતી.
આ પણ વાંચો:- લોકોની જીવનભરની કમાણી ચાઉ કરનાર આખરે ઝડપાયો, જાણો કોણ છે આ આરોપી
જોકે પછી ડૉ. રઝિના કાઝીને એમના સાથીઓએ બેઝ કેમ્પ સુધી પહોંચાડી હતી. ઉલ્લેખનિય છે કે, 20 હજાર ફૂટ ઉંચા માઉન્ટ યુનમ સર કરનારી ડૉ. રઝિના નવસારીની પ્રથમ દિકરી બની છે. ટ્રાન્સ હિમાલયન વેલીના માઉન્ટ યુનમ સર કર્યા બાદ આજે ડૉ. રઝિના કાઝી આજે પોતાના ગામ સોનવાડી પહોંચી હતી. જ્યાં તેના પરિવારજનો સહિત ગ્રામજનોએ દેશદાઝના નારાઓ સાથે ડૉ. રઝિનાની સિદ્ધિને વધાવી લીધી હતી.
આ પણ વાંચો:- વડોદરા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેન સામે વૃદ્ધાએ પડતું મૂક્યું, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પુષ્પ અર્પણ કરી શાલ ઓઢાડી ડૉ. રઝિના સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે ઉપસ્થિતોને મોં મીઠુ કરાવી પરિવારજનોએ પોતાની લાડકવાયીની સિદ્ધિના ગર્વને વધાવ્યો હતો. ઉંચાઈ પર જતાની સાથે જ તબિયત બગડતી હોવા છતાં અડગ મનની ડૉ. રઝિના કાઝીએ હાર માની નથી અને આવનારા દિવસોમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સપનું સેવ્યુ છે. જે મનુષ્ય ધારી લે, તો કોઈપણ તકલીફ તેને લક્ષ્ય સુધી પહોંચવામાં રોકી શકતી નથી, નો ઉત્તમ સંદેશ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube