જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: ઉતરાયણના દિવસે ગાયોને દાન આપવાનો મહિમા રહેલો છે અને આ દિવસે લોકો યથા શક્તિ મુજબ દાન પણ કરતા હોય છે. ત્યારે આજ દિવસે પોતાની ગાયો માટે દાન મેળવવા માટે એક ગૌસેવકને દર દર ભટકવાનો વારો આવ્યો છે કોણ છે આ ગૌભક્ત અને કેમ થઈ થઇ છે તેની આવી પરિસ્થિતિ જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા પાસે આવેલા બાકરોલ ગામ ખાતે જીવદયાની એક એવી મિસાલ જોવા મળે છે કે જે સમગ્ર દેશમાં જવલ્લે જ જોવા મળે. બાકરોલ ગામ ખાતે રહેતા સોમાભાઈ બારિયાએ જોયું કે પશુપાલન કરતા લોકો તેઓએ પાળેલી ગાય જયારે દૂધ આપતી બંધ થઇ જાય ત્યારે તેને કતલખાને મોકલી આપવા વેચી દે છે. દસ વર્ષ અગાઉ બાકરોલ ગામના સોમાભાઈએ કતલ ખાતે વેચી દેવાતી ગાયોને તેઓ પાસે રાખી લઇ અને કસાઈના છરાથી બચાવવાનું બીડું ઝડપ્યું. એક નાની જગ્યા ઉપર તેઓએ કતલખાને લઇ જવા આપી દેવાતી ગાયો લેવાનું શરુ કરી જીવદયાની જ્યોત જગાવી. એક બાદ એક તેમ ગાયની સંખ્યા વધતી ગઈ અને તેઓના આ સેવાભાવી કાર્યની આસપાસના વિસ્તારમાં જાણ થતા સ્થાનિક યુવાનો પણ કતલખાને લઇ જવાતી ગાયો ઝડપી અને સોમાભાઈની ગૌશાળામાં આપવા આવવા લાગ્યા. ટૂંક સમયમાંજ તેઓ પાસે 125  ઉપરાંતની સંખ્યામાં ગાયો થઇ ગઈ છે. આટલા વિપુલ પ્રમાણમાં ગાય રાખવા માટે મોટી જગ્યા અને ઘાસ ચારાની વિપુલ માત્રામાં જરૂરીયાત પાડવા લાગી. 


સોમાભાઈએ તેઓથી બનતા પ્રયત્નો કર્યા અને ૧૨૫ ગાય માટે રોજે રોજ ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા કરી. ગાય માટે શેડ પણ ઉભા કર્યા તેમજ કુવો કરાવી પાણીની પણ વ્યવસ્થા કરી. સોમાભાઈએ ગૌશાળા માટે દાન લેવા પ્રયત્ન કર્યા પણ જોઈએ તેવો પ્રતિસાદ ન મળ્યો. છતાં જીવદયાની નેમ સાથે એક દાયકા અગાઉ શરુ કરેલું કામ તેઓએ બંધ ન કર્યું. દિવસે દિવસે ગાયોના પાલન પોષણ પાછળ સોમાભાઈની મૂડી ખતમ થવા લાગી. બાદમાં તેઓની 12 વીઘા જેટલી જમીન ગીરવે મૂકી ને પણ રોજ સો ઉપરાંત ગાયો માટે સોમાભાઈએ વ્યવસ્થા કરી. હાલમાં સોમાભાઈ પાસે બચેલી આખરી મૂડી તેઓનું ઘર પણ મહિન્દ્રા ફાઇનાન્સ કંપની પાસે ગીરવી મૂકી દીધું છે પણ તેઓના મનમાં જાગેલી જીવદયાની જ્યોત હજુ પણ ઝાંખી નથી પડી.આટલા સંઘર્ષ છતાં પણ સોમાભાઈ નો ગૌ સેવા યજ્ઞ થમ્યો નથી પરિસ્થિતિ એટલી વિકટ બની કે સોમાભાઈ એ પોતાના મોટા પુત્ર કે જે ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો તેનું ભણતર છોડાવી ને મજૂરી એ મોકલવા મજબુર બન્યા અને તેના થકી થતી આવક થી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવા ની સ્થિતિ આવી પડી છે. 


સ્થાનિક ગ્રામજન અર્જુનભાઈ બારિયાએ આ અંગે કહ્યું કે અમારા ગામમાં સોમાભાઈ બારિયા એક ગૌશાળા ચલાવે છે , તેમની ગૌશાળામાં હાલ 125 જેટલી ગાયો છે , તમામ ગાયો હાલ દુબળી છે , તેમને ખવડાવવા માટે હાલ ઘાસ પણ છે નહિ , માટે અમે ગામના 25 જેટલા યુવાનોને સુરત જઈને ઉત્તરાયણના દિવસે શહેરમાં લોકો દાન ખુબ આપે છે ત્યારે ત્યાં જઈને દાન લાવવા માટે ગૌશાળાને મદદ કરવાનું નક્કી કર્યું છે. 


સુરેન્દ્રનગર: ઉત્તરાયણ પર અબોલ જીવો માટે દાન ભેગુ કરવામાં લોકો છૂટ્ટા હાથે કરી રહ્યાં છે મદદ 


ગૌસેવા કાજે પોતાની જમીન અને ઘરને પણ ગીરવે મૂકી દઈને પણ હાલ સેવા યજ્ઞ ચાલુ રાખવામાં સોમાભાઈને ખુબ જ મુશ્કેલીઓનો હાલ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ગાયોને ખવડાવવા માટે તેમની પાસે નથી ઘાસ તેમજ નથી એવી કોઈ આર્થિક મૂડી કે જેના થકી તેઓ આ ગૌશાળાની ગાયોનું પાલન પોષણ કરી શકે. સોમાભાઈની ગૌશાળા ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોઈ આ ગૌશાળામાં ખુબ જ નહીવત દાન આવે છે ત્યારે ઉતરાયણ ના દિવસે શહેરી વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં દાન કરે છે તે વાત જાણીને સોમાભાઈએ ઉતરાયણના દિવસે સુરત ખાતે જઈને પોતાની ગૌશાળા માટે દાન માંગવા માટેનું નક્કી કર્યું છે . તેઓ દ્વારા ગામના જ ૨૦ ઉપરાંત યુવાનોને તૈયાર કર્યા છે તેમજ દાન પાત્ર પણ તૈયાર કર્યા છે જે લઈને તેઓ ઉતરાયણના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં દાન મેળવવા માટે ઘરે ઘરે જશે. તેઓના મતે દાન મેળવવા માટેનો આ આખરી રસ્તો હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે . 


આ અંગે સોમાભાઈ બારિયાએ કહ્યું કે હું છેલ્લા 11 વર્ષથી આ ગૌશાળા ચાલવું છું , ગાયોની સેવા માટે મેં મારી ખેતીની ૧૨ વીઘા જમીન પણ ગીરવે મૂકી છે તેમજ મારું મકાન પણ ફાયનાન્સ માં ગીરવે મૂકી દીધું છે હાલ મારી આ ગૌશાળા માટે ઘાસચારો ખુબ જ અભાવ છે માટે અમે ગૌશાળા માટે દાન મેળવવા માટે સુરત જઈને ઉત્તરાયણ ના દિવસે  ઘરે ઘરે જઈને દાન ઉઘરાવવાના છે .


ઉત્તરાયણ ના દિવસે શહેરી વિસ્તારમાં શહેરીજનો અને દાતાઓ મોટી માત્રામાં ગાયોને ઘાસ તેમજ ગૌશાળાઓને આર્થિક દાન કરતા હોય છે. માત્ર એક દિવસ પુરતું જ આ દાન કરવાનો મહિમા અને એને લઈને ઘાસનો બગાડ પણ મોટી માત્રામાં થાય છે. ત્યારે આ પ્રકારનું દાન ખરેખર જરૂરિયાતમંદ ગાયોને અને ગૌશાળાઓને પહોંચે તે ખુબ જ જરૂરી બન્યું છે . હાલ પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામમાં રહેતા સોમાભાઈ બારિયાની ગૌશાળાને પણ હાલ ઘાસચારાની પણ ખુબ જ જરૂરિયાત છે ત્યારે તેઓને પણ દાન પહોંચે તે ઇચ્છનીય છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક..