RTPCR ટેસ્ટ વગર આવેલા 3 શખ્સોની વડોદરા રેલવે સ્ટેશન પર અટકાયત કરાઈ
- બાન્દ્રા જમ્મુતાવી ટ્રેનમાથી આવેલા અને રિપોર્ટ કરાવ્યા વગર ટ્રેનમા મુસાફરી કરવાના ગુનામાં ત્રણેયની અટકાયત કરાઈ
- વડોદરાના તંત્ર પાસે કુંભથી આવતા 30 મુસાફરોનું લિસ્ટ હતું, પરંતુ RTPCR ટેસ્ટ સેન્ટરમાં 30 પૈકી માત્ર 3 મુસાફરો આવતા તંત્રમાં આશ્ચર્ય સર્જાયુ
રવિ અગ્રવાલ/વડોદરા :કુંભ મેળો એ કોરોનાનો મેળો બની ચૂક્યો છે. તેથી કુંભ મેળામાંથી ગુજરાત પરત ફરતા મુસાફરોનો કોરોના ટેસ્ટ સરકારે ફરજિયાત બનાવ્યો છે. આવામા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં ત્રણ દિવસમાં કુંભ મેળામાંથી પરત આવેલા અનેક લોકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી ટ્રેન મારફતે ગુજરાતમાં આવતા મુસાફરો માટે રેલવે તંત્ર સતર્ક બન્યુ છે. આજે વડોદરા રેલવે સ્ટેશન પર RT-PCR ટેસ્ટ કર્યા વગર આવતા મુસાફરોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : વલસાડનુ ભયાનક દ્રશ્ય, ત્રણ-ત્રણ દિવસના મૃતદેહો સડી જતા દુર્ગંધ મારવા લાગી, પણ સ્વજનોને ન અપાયા
આજે વડોદરા રેલવે રેલવે પોલીસે બહારથી આવેલા ત્રણ મુસાફરોને અટકાયતમાં લીધા છે. બાન્દ્રા જમ્મુતાવી ટ્રેનમાથી ત્રણેય મુસાફરો વડોદરા સ્ટેશન પર ઉતર્યા હતા. ત્યારે આ ત્રણેય મુ્સાફરો પાસે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન હતો. રિપોર્ટ કરાવ્યા વગર ટ્રેનમા મુસાફરી કરવાના ગુનામાં ત્રણેયની અટકાયત કરાઈ છે. રેલવે પોલીસે ત્રણેય મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
કુંભ મેળામાંથી ભાવિકો વડોદરા પરત ફરી રહ્યાં છે. ત્યારે હાલ વડોદરાના તંત્ર પાસે કુંભથી આવતા 30 મુસાફરોનું લિસ્ટ હતું, પરંતુ RTPCR ટેસ્ટ સેન્ટરમાં 30 પૈકી માત્ર 3 મુસાફરો આવતા તંત્રમાં આશ્ચર્ય સર્જાયુ છે. કુંભ મેળામાંથી પરત ફરેલા માત્ર એક મુસાફરનો RTPCR ટેસ્ટ થયો હતો. બાકીના બે પાસે RTPCR રિપોર્ટ હતો. પરંતુ અન્ય મુસાફરો ક્યાં ગયા તે અંગે સવાલો ઉભા થયા છે. કુંભમાંથી પરત ફરેલા ભાવિકો ટેસ્ટ વગર બરોબાર પોતાના ઘરે નીકળી ગયા હોય તો સંક્રમણનું જોખમ વધુ રહે છે.
આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્યએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું, મારા કારણે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો
તો બીજી તરફ, સુરતમાં કુંભ મેળામાંથી પરત આવતા યાત્રીઓના ટેસ્ટીંગ કરાયા હતા. જેમાં વધુ બે યાત્રી પોઝિટિવ આવ્યા છે. એક રેલવે સ્ટેશન અને એક મુસાફર એરપોર્ટ પર પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ મામલે મુંબઈના ઉચ્ચ અધિકારીઓએ આવી સુરતની સમીક્ષા કરી છે.
રાજકોટમાં પણ હરિદ્વારથી પરત ફરતા કુંભના મેળામાંથી આવેલ લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દહેરાદૂન - ઓખા ટ્રેનમાં આવેલા મુસાફરોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 80 પ્રવાસીમાંથી 13 પ્રવાસી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો