Gujarat Assembly ચિંતન ભોગાયતા/અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં નવા અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીના નામની પસંદગી થઈ. શંકર ચૌધરીએ અધ્યક્ષ પદ માટે ફોર્મ પણ ભર્યું છે. આ પદ માટે પહેલેથી જ શંકર ચૌધરીનું નામ ચર્ચાતુ હતું, અને આખરે ભાજપે અધ્યક્ષ તરીકે એમનું જ નામ જાહેર કર્યું. પરંતું શું તમે જાણો છો શંકર ચૌધરી મૂળ બનાસકાંઠા જિલ્લામાંથી આવતા હોય અને વિધાનસભામાં અધ્યક્ષ બન્યા હોય એવા ત્રીજા નેતા છે. જી હા, 15મી વિધાનસભાના અધ્યક્ષ બનેલા શંકર ચૌધરી પહેલાં પણ બનાસકાંઠાના બે એવા નેતા છે જે અધ્યક્ષ પદ પર રહી ચૂક્યા છે. એટલે વિધાનસભાના અધ્યક્ષનું પદ અને બનાસકાંઠાને લેણુદેણું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકર ચૌધરી પહેલા બનાસકાંઠાના બે નેતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે બિરાજ્યા છે. આમ, બનાસકાંઠાની ભૂમિએ અત્યાર સુધી ત્રણ વિધાનસભા અધ્યક્ષ આપ્યા છે તેવુ કહી શકાય. તેમના નામ અને ઈતિહાસ વિશે પણ જાણી લઈએ...
1 હિંમતલાલ મુલાણી
2. ગુમાનસિંહજી વાઘેલા


હિમતલાલ મુલાણી અને ગુમાનસિંહજી વાઘેલા ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં અધ્યક્ષ પદ સુધી પહોંચી ગયા છે. હવે એ જાણી લઈએ કે બંકાઓની ભૂમિમાંથી વિધાનસભામાં પહોંચેલા આ નેતાઓના રાજકીય ઈતિહાસ વિશે જાણી લઈએ.


હિંમતલાલ મુલાણી
ગુજરાત રાજયના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈ વર્ષ 1997માં પાટણ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જેમાં મહેસાણાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને સમી તાલુકો તેમજ બનાસકાંઠાના સાંતલપુર અને રાધનપુર તાલુકાને પાટણમાં સમાવી લેવાયા. પણ પાટણ જિલ્લો બન્યો તે પહેલાંનું રાધનપુર કે જે બનાસકાંઠાનો ભાગ હતું, ત્યાંથી ચૂંટાઈને આવતા હતા હિંમતલાલ મુલાણી. 1990ની સાલમાં જનતાદળ ગુજરાતમાંથી હિંમતલાલ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના ખોડીદાન ઝૂલાને હરાવી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા હિંમતલાલ મુલાણી. વિધાનસભામાં એ સમયનાં ઉદાહરણ અપાય છે. એમાંનો જ એક પ્રસંગઃ હિંમતલાલ મુલાણી જ્યારે અધ્યક્ષ હતા અને એક પ્રસંગ એવો હતો કે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભાજપના મહેન્દ્ર ત્રિવેદીને ત્યાં એક જ દિવસે જમણવાર હતો. તો તેમણે શક્તિસિંહને કહ્યું, હું તમારા પક્ષનો સભ્ય હતો તેના કારણે હું તમારે ત્યાં જમવા આવીશ તો યોગ્ય કહેવાશે નહીં, માટે મારે મહેન્દ્ર ત્રિવેદીને ત્યાં જવું પડશે અને તેઓ ત્રિવેદીને ત્યાં જ જમવા ગયા હતા. હિંમતલાલ મુલાણીએ 11 ફેબ્રુઆરી 1991થી 21 માર્ચ 1995 સુધી વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. 



ગુમાનસિંહજી વાઘેલા 
બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠક પરથી 1995માં ગુમાનસિંહજી વાઘેલા ચૂંટાયા હતા. વર્ષ 1995માં કોંગ્રેસના કેશાજી ચૌહાણને હરાવીને તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુમાનસિંહજી નવમી વિધાનસભાના અધ્યક્ષ હતા. તેમનો વિધાનસભા અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 29 ઓક્ટોબર 1996થી 19 માર્ચ 1998 સુધીનો રહ્યો. ગુમાનસિંહજી વાઘેલા દિયોદર સ્ટેટના રાજવી પરિવારમાંથી આવે છે.


શંકર ચૌધરી  
શંકર ચૌધરીએ 15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લીધા. 2022માં ભાજપની ટિકિટ પરથી શંકર ચૌધરી થરાદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. શંકર ચૌધરી મૂળ વડનગર ગામના વતની છે અને બનાસ ડેરીના ચેરમેન પણ છે. 1997 સુધી તેમનો તાલુકો રાધનપુર બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો. શંકર ચૌધરી હાલ પાંચમી વખત ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે. શંકર ચૌધરી ગુજરાત સરકારમાં આરોગ્ય રાજ્યમંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. તેમને તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડવા 1997માં નરેન્દ્ર મોદીએ રાધનપુર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.