સંવેદનાસભર કિસ્સો: દેશમાં સિવિલ હોસ્પિટલનો વાગી રહ્યો છે ડંકો, બંને હાથનું દાન મળ્યાના કુલ 21 અને વિશ્વમાં 200 કિસ્સા
Ahmedabad Civil Hospital organ donations: બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે. 24 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાન ક્ષેત્રના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાંથી એક બ્રેઇનડેડ દર્દીના બંને હાથનું દાન મળ્યું છે. કોરોનાકાળમાં સમગ્ર દેશમાં બંને હાથનું દાન મળ્યાના ચાર કિસ્સા જોવા મળ્યાં. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, આ ચારેય અંગદાતાઓ ગુજરાતના જ છે.
ગુજરાત રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે ત્યારે શરીરમાં રહેલા અંગોની સાથે બાહ્ય અંગોનું દાન આપવામાં પણ ગુજરાતીએ સમગ્ર દેશમાં અવવ્લ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બંને હાથોના અંગોનું દાન મેળવ્યાના કુલ 21 કિસ્સા નોંધાયા છે જ્યારે વૈશ્વિક સ્તરે આ આંક અંદાજીત 200 છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, શરીરના આંતરિક અંગોના દાન આપવામાં આજે પણ ઘણાંય પરિવારો અચકાતા હોય છે ત્યારે શરીરના બાહ્ય અંગોનું દાન કરવું પોતાના જ એક પવિત્ર અને અપ્રતિમ સેવાકીય કામગીરી છે. વિગતે જોઇએ તો 30 ની વયના ગાંધીનગરમાં રહેતા અજયભાઇ દરજી માર્ગ અકસ્માતમાં ધાયલ થતા 7 મી ફેબ્રુઆરીએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ તમામ અંગોના દાનનો નિર્ણય કર્યો હતો. પરંતુ અન્ય અંગો જરૂરી રીપોર્ટસ અને ટેસ્ટ પ્રમાણે બંધ ન બેસતા છેવટે તબીબો દ્વારા બંને હાથના દાન માટે પરિવારજનોને પ્રેરવામાં આવ્યા.
પરિવારજનોએ બંને હાથોના દાન માટેની પણ સંમતિ આપતા બ્રેઇનડેડ અજયભાઇ દરજીના બંને હાથોનું દાન મળ્યું. જે મુંબઇના 26 વર્ષીય યુવાનમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અન્ય એક દર્દી મગનજીભાઇ બજાણીયાને પણ કલોલ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સ્થિતિ અગાઉથી જ અતિગંભીર હતી. મગનજીભાઇ બજાણીયા બ્રેઇનડેડ થતા તેમના લીવર અને બંને કિડનીના અંગોનું દાન મળ્યું. 19 વર્ષીય ભાવીનભાઇ પરમાર કે જેઓ ખેડાના રહેવાસી હતા. તેઓનું માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયા હતા. સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ And Tissue Transplant Organization) ની ટીમને ભાવીનભાઇના બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી.
આ તમામ કિસ્સા એવા છે કે જેમના પરિવારજનોએ પોતાનું સ્વજન બ્રેઇનડેડ થતા તેમના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા તેમના અંગો થકી અન્યોને નવજીવન આપવાનું નક્કી કર્યું. આ અંગોના દાન પછી આ તમામ બ્રેઇનડેડ અંગદાતાઓનું શરીર જરૂરથી ભસ્મિભૂત થઇ ગયુ હશે પરંતુ તેમના અંગો દ્વારા આજે પણ તેઓ અન્યોના શરીરમાં જીવંત છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપ જ આજે છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાતાઓની સંખ્યા ૩૭ થઇ જવા પામી છે. જેના થકી 113 અંગો મળ્યા છે અને 97 જરૂરિયાતમંદોને નવજીવન. જે બ્રેઇનડેડ દર્દીના બંને હાથોનું દાન મેળવવામાં આવે છે તે બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને મૃત શરીરમાં આર્ટીફિશિયલ પ્રોસ્થેટિક લિંબ એટલે કે બંને હાથ લગાવીને શરીર સોંપવામાં આવે છે તેમ ડૉ. રાકેશ જોષીએ વિશેષમાં આ અંગદાનના સંદર્ભમાં જણાવ્યું હતુ.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન, અનેક લોકોને મળ્યું નવુ જીવન
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દેશની એકમાત્ર હોસ્પિટલ બની છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા.
બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે. 24 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી રહ્યા છે.
એક જ દિવસમાં ત્રણ અંગદાન અંગે વાત કરીએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું. 65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે. શારિરીક અસ્વસ્થતાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. ત્રીજા બ્રેઈનડેડ એવા વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. જેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલા અંગદાન અંગે વાત કરીએ તો 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાનથી 119 અંગો મળ્યા છે, જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિદ્ધિ બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના SOTTO (State Organ And Tissue Trnasplant Organisation) ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube