Gujarat Riots : ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલી હિંસામાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પોલીસે તબક્કાવાર 86 લોકોને પકડ્યા હતા. ત્યારે આજે સ્પેશિયલ કોર્ટ આ નરસંહારમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવશે. ત્યારે શું હતો નરોડા ગામ હત્યાકાંડ. જોઈએ આ ખાસ અહેવાલ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 ફેબ્રુઆરી 2002નો એ દિવસ કદાચ ગુજરાતના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કારણ કે આ જ દિવસે અયોધ્યાથી આવેલા 59 કાર સેવકોને જીવતા સળગાવી દેવાયા હતા. ગોધરાકાંડ થયા બાદ આખાય ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. અનેક જગ્યાએ તેની પ્રતિક્રિયા દેખાવાની શરૂ થઈ અને તેમાંથી એક હતું અમદાવાદનું નરોડા ગામ. 


તારીખ 28 ફેબ્રુઆરી 2002
ગોધરા કાંડના પ્રત્યાઘાતના પડઘા અમદાવાદના નરોડા ગામમાં પણ સંભળાયા. નરોડા ગામમાં સવારે 10 વાગ્યે છૂટોછવાયો પથ્થરમારો થયો. બપોરે 12 વાગ્યા આસપાસ આગના બનાવ બનવા લાગ્યા. અને રાત સુધીમાં તો હિંસા ફાટી નીકળી. આ હિંસામાં 4 મહિલાઓ સહિત 11 લોકોની હત્યા થઈ.  


હત્યાકાંડના 21 વર્ષે આવશે ચુકાદો  
28 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલા હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ હવે ચુકાદો સંભળાવવા જઈ રહી છે. એટલે કે 21 વર્ષ બાદ દોષિતોને સજા અને પીડિતોને ન્યાય મળશે. નરોડા હત્યાકાંડની 28 ફેબ્રુઆરી 2002ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાના દિવસે 28 અને બાદમાં તબક્કાવાર 58 આરોપી પકડાયા હતા. કુલ 86 આરોપીમાંથી 14 આરોપીનાં મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે કે 1 આરોપીને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરાયો છે. 


નરોડા ગામ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2008માં આર.કે. રાઘવનની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી. જે બાદ જ તત્કાલીન ધારાસભ્ય ડો. માયા કોડનાની, જયદીપ પટેલ અને બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી. 8 જેટલી ચાર્જશીટ, 3 વખત ફાઈનલ દલીલો અને 5 જજ બદલાયા બાદ હવે આ કેસનો ચુકાદો આવી રહ્યો છે ત્યારે તમામની નજર છે આ ચુકાદા પર.