ગુજરાતીઓ માટે મોટા સમાચાર : આજે સાંજે અમદાવાદ લાવવામાં આવશે કોવેક્સીન
- અમદાવાદ એરપોર્ટથી વેક્સિન લાવ્યા બાદ તેને સોલા સિવિલ ખાતે લઇ જવાશે.
- સોલા સિવિલ ખાતે સૌથી પહેલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સીન અપાશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દેશભરના લોકો કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. જેમાં ગુજરાતમાં પણ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવામાં ગુજરાતીઓ માટે ખુશખબર આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં કોવેક્સીનનું ટ્રાયલ શરુ કરાશે. ભારત બાયોટેક (bharat biotech) અને ICMR સાથે મળીને કોરોનાની રસીનું નિર્માણ કરી રહી છે. ત્યારે ત્રાજા તબક્કાના પરીક્ષણ માટે કોવેક્સીન (covaccine) આજે અમદાવાદમાં આવશે. આજે સાંજે 5.00 વાગે કોરોના વેક્સીન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે.
સૌથી પહેલા વોલન્ટિયર્સને અપાશે કોરોના વેક્સીન
અમદાવાદ એરપોર્ટથી વેક્સિન લાવ્યા બાદ તેને સોલા સિવિલ ખાતે લઇ જવાશે. સોલા સિવિલ ખાતે સૌથી પહેલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સીન અપાશે. આમ, ગુજરાતમાં કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ટૂંક સમયમાં જ શરૂ કરાશે. ગુજરાત સરકારે 5 હોસ્પિટલમાં કોરોના રસીનાં પરીક્ષણની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું,
દેશભરમાં કોવેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ દેશભરમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ અંદાજે 26,000 સ્વયંસેવકો પર હાથ ધરાશે. સ્વંયસેવકોને રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેમના લોહી અને અન્ય પરીક્ષણોને આધારે પરિણામોની ચકાસણી કરાશે. ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી પરીક્ષણ હાથ ધરાશે. જો આ ટ્રાયલ દરમિયાન કોઇ ચિંતાજનક પરિણામો ન મળે તો સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી અપાશે. કોરોના સામેના જંગમાં કોવેક્સીનની સફળતા ખૂબ જ મોટો ફાળો ભજવશે.
ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ટેસ્ટીંગ ફરજિયાત
મહારાષ્ટ્રની જેમ ગુજરાત પણ અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતાં લોકો માટે ફરજિયાત ટેસ્ટિંગ કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક બપોરે યોજાશે. ગુજરાતમાં બહારથી આવતા મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યના મુસાફરો સહિતના લોકો માટે નેગેટિવ ટેસ્ટ બાદ જ પ્રવેશ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા વિચારણા શરૂ કરાઈ છે.