આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, કોરોનાને લીધે મંદિરોમાં શિવ ભક્તોની પાંખી હાજરી
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. એક તરફ કોરોના અને વરસાદી વાતાવરણ વચ્ચે મંદિરોમાં ભક્તોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.
અમદાવાદઃ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. કોરોનાને સંક્રમણને કારણે આ વખતે શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો મંદિરમાં દર્શન કરવાને લઈને પણ અનેક ગાઇડલાઇન બનાવવામાં આવી હતી. પરંતુ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઘણા મંદિરમાં ભક્તો ભોળેનાથના દર્શન કરવા માટે પહોંચ્યા છે. રાજ્યના શિવ મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં આવેલા ચકલેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા સોમવારના દિવસે ભક્તો માસ્ક પહેરીને ભગવાન શિવના દર્શન કરી રહ્યાં છે. મંદિરમાં ભક્તો બીલીપત્ર, જળ અને દુધનો અભિષેક કરી રહ્યાં છે. કોરોનાને લીધે એક સાથે 3 ભક્તોને જળાભિષેક માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવ-શિવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. વરસાદી વાતાવરણ અને કોરોના સંક્રમણને કારણે અહીં આવતા ભક્તજનોની સંખ્યામાં આ વર્ષે ઘટાડો થયો છે. બાકી દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. નાગેશ્વરમાં આજે સાંજે ચાર કલાકે મહાદેવના શૃંગાર દર્શનનો કાર્યક્રમ છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ
ગુજરાત ભરમાં શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો પહોંચી રહ્યાં છે. મંદિર તંત્ર પણ માસ્ક પહેરીને આવતા ભક્તોને દર્શન આપે છે. તો મંદિરમાં સેનેટાઇઝ કરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લીધે પ્રસાદ આપવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર