જગન્નાથ મંદિરમાં શરૂ થઈ જળયાત્રા, જાણો 10 મહત્વની વાતો
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 141મી રથયાત્રાનું 14 જુલાઈએ આયોજન થયું છે.
અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 141મી રથયાત્રાનું 14 જુલાઈએ આયોજન થયું છે. આ રથયાત્રાના પહેલા પડાવ જેવી જળયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી.
સોમનાથ ભૂદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગંગાપૂજન યોજવામાં આવ્યું હતું. આ ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. આ જળાભિષેક પછી ત્યારબાદ ભગવાન લગભગ ભક્તોને ગજવેશમાં દર્શન આપશે અને બપોરે મંદિરમાં ભંડારો પણ યોજાશે.
જળયાત્રાની 10 મહત્વની વાતો
જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા પહેલીવાર જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યા છે.
અત્યાર સુધી સ્થાનિક કારીગરો રેશમના દોરાથી ચંદરવો બનાવતા હતા. આ વખતે એમાં રંગીન દોરા તેમજ ઊનનો પણ વપરાશ કરવામાં આવ્યો છે.
જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરવામાં આવ્યા છે અને ગજરાજ પર વિશાળ કળશ મુકીને પવિત્ર જળ લાવવામાં આવશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા અને જળયાત્રામાં ગજરાજની ઉપસ્થિતિનું અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે આજે પણ જળયાત્રાને લઈને ગજરાજોને શણગારવામાં આવ્યા છે.
ભાઈ બલભદ્રના શરીર સૌષ્ઠવનો શાસ્ત્રોમાં વિશેષ ઉલ્લેખ છે. ત્યારે શરીર સૌષ્ઠવ માટેના અખાડાના કરતબબાજો પણ જળયાત્રામાં ભાગ લેવા માટે આવ્યા છે.
જગન્નાથ મંદિરમાં ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સાંજે 4 વાગે મોસાળમાં સરસપુર જવા રવાના થશે.
એવું કહેવાય છે કે વર્ષમાં એક જ દિવસ જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં ‘ગજવેશ’ શણગારનાં દર્શન થાય છે.
ભગવાન મોસાળ ગયા હોવાના કારણે જગન્નાથ મંદિરના નિજ મંદિરમાં હવે ભગવાનનાં વિગ્રહનાં દર્શન નહીં થાય, પરંતુ ત્યાં તસવીર મૂકવામાં આવી છે.
મોસાળમાં 15 દિવસ રહ્યા પછી રથયાત્રાના દિવસે અહીંથી ભગવાન નગરયાત્રા પર નીકળશે.
આ વર્ષે જળયાત્રામાં સૌપ્રથમવાર શણગારેલાં બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ જોડાઈ છે.