સુદામા અને ગાંધીભૂમિનો છે આજે જન્મદિવસ, આ રીતે પડ્યું હતું પોરબંદર નામ
પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે.
અજય શીલુ, પોરબંદર: પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1030 વર્ષ પૂર્ણ કરીને 1031માં વર્ષમા પ્રવેશ કર્યો છે. ત્યારે ચાલો જોઈએ શુ છે આ સુદામા અને ગાંધીભૂમીથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ અને કેવુ છે પોરબંદર.
અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર એ ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે. આ નગર શિલ્પ-સ્થાપત્યોથી સમૃદ્ધ છે. શ્રાવણી પૂર્ણિમા એ પોરબંદરનો સ્થાપનાદિન છે.
પ્રાચીનકાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતી પ્રાચીન છે.પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે.પોરબંદરનો આજે 1031મો સ્થાપના દિન છે. પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે. તો એવુ પણ માનવામાં આવે છે કે, ખાડી કાંઠે આવેલ પોરાઈ માતાજીના મંદિર પરથી પોરબંદર નામ પડ્યુ છે.
પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી. એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ હોવાનુ કહેવાય છે. ઈ.સ 1120માં રાણાસંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યારબાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલેખ્ખ જોવા મળે છે.
હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનુ કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રીય રાજવી રાણા નટવરસિંહજી કર્યુ હતુ. તેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ પોરબંદરને પેરીસ જેવુ બનાવવા ઈચ્છતા હતા.જેને લઈને પોરબંદરના રોડ-રસ્તા,ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરીસ જેવી જોવા મળે છે.
વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનુ શાસન હતુ ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા અને પહેલા હનુમાનજી અને ત્યારબાદ સુદામાંની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારીયળ અને ચૂંદડી ચડાવી સાગર ખેડુઓ દરિયાનુ ખેડાણ કરતા હતા. આજે પણ આ પરપંરા વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે.
શહેરમાં એ સમયે એવી પણ એક વિશેષ પરંપરામાં જોવા મળતી હતી કે,સ્થાપના દિવસે રાજ તરફથી સુખડી તૈયાર કરવામાં આવતી હતી જેને પ્રસાદરુપે તમામ નગરજનોને પીરસાતી હતી તો આ વેળાએ સુદામાં મંદિરમાં વર્ષ દરમિયાન પરણીત વરઘોડીયાઓના હસ્તે હનુમનાજી અને સુદામા મંદિરે પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી. પોરબંદરની સ્થાપનાને આજે 1030 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભવ્ય ઈતિહાસનો વારસો ધરાવતા અને ઘુઘવતા સાગર કિનારે વસેલા પોરબંદરનો યોગ્ય દિશામાં વિકાસ થાઈ તેવુ શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર