ગુજરાતમાં ગલીએ ગલીએ કેન્સરને આમંત્રણ આપતા પાનના ગલ્લા : દર્દીએ કહ્યું, મહિને 2500 થી 3000 રૂપિયાનો ખર્ચ તંબાકુ પાછળ કરીને જીભનું કેન્સર મેળવ્યું
World Cancer Day : આજે વર્લ્ડ કેન્સર ડે પર એવા કેસ સ્ટડીની વાત કરીએ કે, જે બતાવશે કે ગુજરાતમાં પ્રસરેલનું પાનમાવાનું દૂષણ કેટલું હાનિકારક છે
World Cancer Day અતુલ તિવારી/અમદાવાદ : વિશ્વ કેન્સર દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે કેન્સર એટલે કેન્સલ એવો ભ્રમ દૂર કરવા, કેન્સર અંગે જાગૃતતા લાવા વિશ્વભરમાં પ્રયાસ થઈ રહ્યાં છે. આ જાગૃતિ લાવવાની ગુજરાતમાં ખાસ જરૂર છે. કારણ કે, ગુજરાતમાં ગલીએ ગલીએ પાનના ગલ્લા આવેલા છે. અને નાકે નાકે માવો ચોળતા લોકો દેખાય છે. કેન્સર થવા પાછળ પાન, મસાલા, બીડી, સિગારેટ, તંબાકુ જેવા પદાર્થો મુખ્ય કારણ છે. વ્યસન પાછળ EMI રૂપે રોજના 100 રૂપિયા ખર્ચ કરતો વ્યક્તિ, મહિને 3,000 રૂપિયા તો વર્ષે 36,000 રૂપિયા અને 10 વર્ષમાં 3 લાખ 60 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતું EMI સ્વરૂપે હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કરી કરેલું વ્યસન અંતે તો કેન્સરને જ આમંત્રણ આપે છે.
આવો જ એક કિસ્સો કે જેમાં સતત 15 વર્ષ તંબાકુનું સેવન કર્યા બાદ કેન્સરનો શિકાર થયેલા ભદ્રેશભાઈ સાથે ઝી 24 કલાકે વાત કરીને માહિતી મેળવી. 40 વર્ષીય અમરેલીના વતની ભદ્રેશભાઈએ કહ્યું કે 15 વર્ષ તંબાકુનું સેવન કર્યું છે. જીભનું કેન્સર થયું અને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. મારો રોજના 80 થી 100 રૂપિયા તંબાકુ પાછળ ખર્ચ થતો હતો. મહિને 2500 થી 3000 રૂપિયાનો ખર્ચ તંબાકુ પાછળ કરીને જીભનું કેન્સર મળ્યું છે. વર્ષે 35,000 રૂપિયા તંબાકુ પાછળ ખર્ચ્યા બાદ 15 વર્ષમાં 4 થી 5 લાખ જેટલો ખર્ચ તંબાકુ ખાવામાં કર્યો.
જો કે ભદ્રેશભાઇએ સમયસર જીભના કેન્સરની સારવાર કરાવી અને તેમનું જીવન બચી શક્યું છે. ભદ્રેશભાઇએ કહ્યું કે જ્યારે કીમોથેરાપી લેવી પડી એ વખતે જમી પણ શકાતું નહતું. કેન્સરના કારણે પરિવારમાં પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો, પરિવારજનોએ પણ ખૂબ સમસ્યા વેઠવી પડી હતી. સારવાર સમયે ખૂબ તકલીફો વેઠી છે, અને ભગવાનના આશીર્વાદને કારણે બચી ગયો છું, અને તંબાકુનું વ્યસન છોડી ચૂક્યો છું.
આ પણ વાંચો :
સહમતીથી બાંધેલા સંબંધો એ બળાત્કાર નથી, સુપ્રીમ કોર્ટે આરોપીને મુક્ત કર્યો
મંદિરની મૂર્તિને સ્પર્શ કરવાની કેમ સખત મનાઈ હોય છે, શાસ્ત્રોમાં આ કારણ કહેવાયું છે
ભદ્રેશભાઇએ કહ્યું કે, તંબાકુનું સેવન કરતા લોકો સરળતાથી વ્યસનમુક્ત નથી થઈ શકતા પણ વ્યસન હોય અને એ છોડવું અશક્ય નથી. ભદ્રેશભાઇ તો કેન્સરના શિકાર થયા અને બચી ગયા બાદ હવે તંબાકુ છોડી ચૂક્યા છે અને હવે વ્યસન કરનાર તમામને અપીલ કરી રહ્યા છે કે વ્યસન નાં કરવું જોઈએ, કરતા હોવ તો છોડવું જોઈએ. EMI રૂપે થતું વ્યસન કેન્સરને આમંત્રણ આપે છે અનેક કિસ્સાઓમાં પરિવારમાં આભ તુટી પડે છે, કેટલાય લોકોના મોત પણ નીપજે છે.
ઉલ્લેખનીય છે કે, એક અભ્યાસ મુજબ ભારતમાં દર 10 વ્યક્તિએ એક વ્યક્તિ કેન્સરનો શિકાર થઈ રહ્યો છે. ભારતમાં જોવા મળતા મુખ્ય પાંચ કેન્સરની વાત કરીએ તો, બ્રેસ્ટ કેન્સરનાં 13.5 ટકા દર્દીઓ, ઓરલ કેવીટીનાં 10.3 ટકા, સર્વાઇકલ કેન્સરના 9.4 ટકા દર્દીઓ, લંગ કેન્સરના 5.5 ટકા દર્દીઓ અને કોલોરેકટર કેન્સરના 4.9 ટકા દર્દીઓ શિકાર બને છે
જો સમયસર કેન્સરની દર્દીને જાણ થાય અને યોગ્ય તપાસ બાદ નિદાન કરવામાં આવે તો શરૂઆતના તબક્કામાં થયેલું કેન્સર મટી શકે છે. જો કેન્સરના કિસ્સામાં બેદરકારી રાખવામાં આવે સારવારમાં તકેદારી ન રાખવામાં આવે બીજા ત્રીજા સ્ટેજ સુધી કેન્સર પહોંચી ગયા બાદ દર્દી અને તેના પરિવાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીનું મોત પણ કેન્સરના કારણે થતું જોવા મળે છે. પરંતુ સતત બદલાતી ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિને કારણે કેન્સર એટલે કેન્સલ જે માનવામાં આવતું હતું એ સ્થિતિ બદલવામાં હાલ મોટા પાયે સફળતા મળી રહી છે. પાન, મસાલા, તંબાકુ, ગુટખા, બીડી, સિગારેટનું વ્યસન જો કોઈને હોય તો તેને વ્યસનમુક્ત થવા તબીબો વિનંતી કરે છે. કેન્સર થવા પાછળ વ્યસન એ સૌથી મોટું કારણ છે, જે આગળ જતા કેન્સર તેમજ નપુંસકતાને આમંત્રિત કરે છે.
આ પણ વાંચો : અમદાવાદના બે ચહેરા : ચકચકિત રિવરફ્રન્ટ બાદ સાબરમતી નદીના પ્રદૂષણના દ્રશ્યો તો જુઓ...