આ તસવીર છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર કાળો ડાઘ, હકીકત છે ચોંકાવનારી
આ તસવીર કોઈ કોચિંગ સેન્ટર કે ટ્યૂશન ક્લાસિસની નથી
નીતિન ગોહેલ/ભાવનગર : આ તસવીર કોઈ કોચિંગ સેન્ટર કે ટ્યૂશન ક્લાસિસની નથી. આ તો કોલેજના ક્લાસ ચાલી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુરના વિદ્યાર્થીઓ માટે તો આ જ કોલેજ છે. કોલેજ શબ્દ કાને પડે ત્યારે સૌના મનમાં ભવ્ય ઇમારત આસપાસ બગીચો અને મોટા મોટા ક્લાસરૂમ આવી જાય છે પરંતુ વિદ્યાર્થીઓ માટે દિવાલો અને બેન્ચ વગરનો આ ક્લાસરૂમ વિનિયન કોલેજનો છે. જેમાં બેસીને તેઓ અભ્યાસ કરે છે.
વિનિયન કોલેજ આઠ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી પરંતુ ક્લાસરૂમની સંખ્યા ઓછી હોવાના કારણે કોલેજના વિદ્યાર્થીઓને ગંભીરસિંહ હાઇસ્કુલના પરીસરમાં પતરાના શેડમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. આમ તો વલ્લભીપુરની કોલેજ માટે મોટી જમીન અને 12 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં આજ સુધી કોઇ ઇમારત બનાવવામાં આવી નથી. હવે સાત વર્ષથી કોલેજમાં વિદ્યાર્થીઓને આ રીતે ભણવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં સરકારી વિનિયન કોલેજ શરૂ થયાને આશરે ૮ વર્ષ થવા આવશે છતાં આ કોલેજના બે લોટ તો સ્નાતકની ડીગ્રી લઇને બહાર આવી ગયા છે. છતાં આજની તારીખે કોલેજનાં વિદ્યાર્થીઓ ગંભીરસિંહજી હાઈસ્કુલના પરીસર ખાતે પતરાનાં ઉભા કરેલ કામચલાઉ શેડમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યાં છે.
એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવા ખુલ્લા ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓ કઇ રીતે અભ્યાસ કરતા હશે તે વિચારવા જેવી બાબત છે. આશા રાખીએ કે સરકાર દ્વારા ફાળવેલી જમીન પર જલ્દી કોલેજ બને જેથી આ વિદ્યાર્થીઓ બંધ ક્લાસરૂમમાં અભ્યાસ કરી શકે છે.