રક્ષિત પંડ્યા, મોરબી: છેલ્લા થોડા સમયથી દેશ અને રાજ્યમાં દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મોરબીના જેતપર રોડ ઉપર આવતા બેલા ગામ પાસે આવલી રોસબેલા નામની સિરામિક ફેકટરીમાં મજુરી કામ કરીને રોજીરોટી કમાતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું ગત રાત્રીના સમયે અપહરણ થયા બાદ ફેક્ટરીની બાજુમાં આવેલ તળાવ કાઠેથી લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આ દરમ્યાન બાળકીના ગુપ્ત ભાગ અને હોઠ પાસે ઈજાના નિશાન જોવા મળ્યા હોવાથી મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલી બાળકીના પિતાની ફરિયાદના આધારે એક બિહારી શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત, રાજકોટ સહિતના શહેરોમાં નાની બાળકી સાથે દુષ્કર્મ કરવાના બનાવોના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં તો મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ રોસબેલા નામના કારખાનામાં મજુરી કામ કરવા માટે ઉજ્જેનની બાજુના ગામડામાંથી આવેલા શ્રમજીવી પરિવારની અઢી જ વર્ષની બાળકીની લાશ મળી આવી. આ ચોંકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના જેતપર રોડ ઉપર પાણી ભરેલા ખાડા માંથી આજે સવારે અઢી વર્ષની બાળાની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડી વાય એસ પી તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીની લાશને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. આ દરમ્યાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક તપાસમાં જ થયો હતો જેથી ફોરેન્સિક રીપોર્ટ માટે બાળકીની લાશને રાજકોટ ખસેડવામાં આવી.


શ્રમજીવી પરિવારની બાળકીની હત્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલી છે. જેમાં બિહારી સુરજ ચોહાણ નામના શખ્સ સામે ભોગ બનેલી બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે  ફરિયાદીના કહેવા મુજબ ગતરાત્રીના 12 વાગ્યાના અરસામાં સીરામીકના ક્વાર્ટર જ્યાં તે રહેતા હતા ત્યાંથી નીચેના ભાગમાં લઘુશંકા કરવા માટે પતિ પત્ની આવ્યા હતા અને માત્ર 10 મીનીટમાં તે પાછા ઓરડીમાં પહોચી ગયા હતા એટલી જ વારમાં બાળકીનું અપહરણ કરી લઇ જવામાં આવી હતી ત્યાર બાદ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાદમાં બાળકીની લાશ જે જગ્યાએ ફેકવામાં આવી હતી તે બાજુ સવારે બીજા મજૂર કુદરતી હાજતે જઈ રહ્યા હતા ત્યારે શ્રમજીવી પરિવારને ખબર પડી હતી કે તેમની દીકરીની હત્યા કરી નાખવામાં આવી છે.